ટાઈગરે બોલીવૂડની સૌથી લાંબી એકશન એન્ટ્રીનું દશ્ય એક શોટમાં શૂટ કર્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ટાઈગર શ્રોફે બહુપ્રતિક્ષિત દિલધડક એકશન ફિલ્મમાં એકશન સુપરસ્ટાર તરીકે નવું સીમાચિહન સ્થાપિત કર્યું છે. વોરમાં તેણે પોતાનો જ વિક્રમ તોડી નાખ્યો છે અને તેની એન્ટ્રી સાથે દર્શકોને ચકિત કરી દેશે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ટાઈગર ફિલ્મમાં હૃતિક રોશન સામે બાથ ભીડે છે. આના ભાગરૂપે તેણે બોલીવૂડના ઈતિહાસમાં સૌથી લાંબું એકશન એન્ટ્રી દશ્ય શૂટ કર્યું. એક શોટમાં આ દશ્ય શૂટ કરીને તેણે આ વધુ અદભુત બનાવી દીધું છે.

ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ જણાવે છે, ટાઈગર હાથોહાથની લડાઈની વાત આવે ત્યારે દેશમાં ઉત્તમ એકશન હીરો છે. તેણે ઉત્કૃષ્ટ કુશળતાથી દર્શકોનું મનોરંજન કર્યું છે અને અમે દર્શકોને કાંઈક એવું બતાવવા માગીએ છીએ જે તેમને મોઢામાં આંગળાં નખાવી દેશે. આથી અમે તેની એન્ટ્રીના દશ્ય માટે આ અદભુત શોટ લાવ્યા છીએ.

તેઓ ઉમેરે છે, આ 2.30 મિનિટ લાંબું, દિલધડક, હાથોહાથની લડાઈનું દશ્ય છે, જે ટાઈગર દ્વારા એક શોટમાં શૂટ કરાયું છે. આખું એકશનનું દશ્ય કોઈ પણ કટ્સ વિના એક શોટમાં શૂટ કરાયું છે. અમે દુનિયાના સૌથી ઉત્તમ હાથોહાથના એકશન કોરિયોગ્રાફરો સી યંગ ઓહ (એજ ઓફ અલ્ટ્રોન, સ્નોપિયરસર)ને ટાઈગર માટે આ દશ્ય ફિલ્માંકન કરવા રોક્યા છે. ટાઈગર પોતાના હાથોથી લોકોના ટોળા સામે ભીડી જતો જોવા મળશે. ટાઈગર માટે આ દિલધડક એન્ટ્રી રહેશે અને અમને આશા છે કે દર્શકોને તે ગમશે.

આવાં દશ્યો એક શોટમાં શૂટ કરવાનું આસાન નથી હતું અને ટાઈગર તેને માટે સંપૂર્ણ કટિબદ્ધ હતો. તેણે વારંવાર શૂટ પૂર્વે તૈયારીઓ, પ્રેકટિસ અને રિસર્હલ કર્યાં હતાં, જેથી એક સોટમાં સીન પૂરું કરી શકે. શૂટના દિવસે તે એકદમ નિશ્ચિંત જણાતો હતો. આવું જટિલ એકશન દશ્ય આટલી અચૂકતા સાથે ફક્ત ટાઈગર જ કરી શકે.

વોરમાં હૃતિક અને ટાઈગર એકબીજા સામે યુદ્ધ કરતા જોવા મળશે અને નિર્માણકારોએ અગાઉ ક્યારેય નહીં જોયાં હોય તેવાં એકશન દશ્યો બતાવવા માટે કોઈ કસર બાકી રાખી નથી એવું લાગે છે. ,વર્ષની સૌથી ભવ્ય એકશન ફિલ્મ તરીકે માનવામાં આવતી વોર ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સનું છે. આ ઉચ્ચ ઉત્સુકતા જગાવનારી ફિલ્મમાં હૃતિક રોશન સામે વાની કપૂર છે. તે હિંદી, તમિળ અને તેલુગુમાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતીની રજાના દિવસે રિલીઝ થવાની છે.

Share This Article