ગઈકાલે બુધવારના રોજ સૂત્રોની મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહેલા જવાનો પર આતંકીઓએ ગોળીબાર કરતા સેના અને પોલીસને ઓપરેશન હાથ ધરવાની ફરજ પડી હતી. જે અથડામણમાં બે પોલીસકર્મી અને બે જવાન શહીદ થયા હતાં. અન્ય બે જવાન ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની સ્થિતિ સ્થિર બતાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ આ જ સ્થળે ચાર આતંકીઓનાં મોત થયા હતાં. ગઇકાલે કુપવાડા જિલ્લાના અરમપોરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા જવાનો પર આતંકીઓએ ગોળીબાર કરતા આ અથડામણ શરુ થઇ હતી. સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ અથડામણ સમગ્ર રાત ચાલી હતી. ગઇકાલે ચાર અજાણ્યા આતંકીઓનાં મોત થયા હતાં.
આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં બાલાકોટે સેક્ટરમાં અંકુશ રેખા પાસે પાકિસ્તાની સેનાએ ગઇકાલ રાતે મોર્ટારમારો અને ગોળીબાર કર્યો હતો. આ અગાઉ પણ ૧૮ માર્ચના રોજ પાકિસ્તાની સેનાએ પૂંચ જિલ્લાના એક સરહદી ગામમાં કરેલા મોર્ટારમારાને પગલે પાંચ નાગરિકોના મોત થયા હતાં. પાકિસ્તાનની આ કરતૂતોના લીધે સરહદે આવેલા ગામોના રહેવાસીઓ હિજરત કરવા મજબૂર બન્યા છે.