કેનેડામાં ભારતીયો પર હુમલાનો સિલસિલો યથાવત છે. કેનેડિયન પોલીસે આપેલ જાણકારી અનુસાર ૪૦ વર્ષીય શીખ મહિલાની તેના જ ઘરમાં હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યાના આરોપ હેઠળ તેના પતિની શંકાસ્પદ વ્યક્તિ તરીકે ધરપકડ કરવામાં આવી છે. એક સમાચાર અજ્ન્સીએ શુક્રવારે જાણકારી આપતા જણાવ્યું હતું કે, બ્રિટીશ કોલંબિયાના સરેમાં હરપ્રીત કોર પર ચાકૂથી અનેક વાર હુમલો કરીને તેના જ ઘરમાં હત્યા કરવામાં આવી છે.
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ એ જાણકારી આપી કે, બુધવારે રાત્રે ૯:૩૦ વાગ્યાની આસપાસ ન્યૂટન વિસ્તારમાં આ ઘટના સર્જાતા પોલીસને બોલાવવામાં આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પોલીસ અધિકારી જે સમયે સ્થળ પર પહોંચ્યા તે સમયે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતી. જેથી મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલમાં મહિલાનું મૃત્યુ થયું હતું.
ઈન્ટીગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટીગેશન ટીમના ટીમોથી પિયોરોટી ક્રાઈમ યુનિટ સાથે આ ઘટના અંગે તપાસ કરી રહ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હરપ્રીત કૌરના ૪૦ વર્ષીય પતિની ઘટનાસ્થળેથી શંકાસ્પદ તરીકે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેના પતિને રિલીઝ કરી દેવામાં આવ્યો છે. પોલીસે લોકોને હરપ્રીત કોરના મર્ડર વિશે અને તેના અંગે જાણકારી રાખનાર કોઈપણ વ્યક્તિને આગળ આવવા માટે અપીલ કરી છે. જેથી આ અંગે પ્રાપ્ત થયેલ માહિતી તપાસમાં મદદરૂપ થઈ શકે. પિયોરોટીએ જણાવ્યું કે, તપાસકર્તાઓ આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.
આ પ્રકારની ઘટનાથી પીડિત પરિવાર, મિત્રોની સાથે સાથે સમગ્ર સમુદાય પર પણ અસર થઈ રહી છે. સરે RCMP પીડિત લોકોને અને તેમના પરિવારને મદદ કરવા માટે હંમેશા તત્પર છે. અગાઉ ૩ ડિસેમ્બરના રોજ ઓન્ટારિયો પ્રાંતના મિસિસોગામાં કેનેડિયન-શીખ ૨૧ વર્ષીય મહિલા પવનપ્રીત કોરની હત્યા કરવામાં આવી હતી. શનિવારે રાત્રે એક અજાણ્યા હુમલાખોરે ગેસ સ્ટેશનની બહાર આ મહિલાને ગોળી મારી હતી. પોલીસ આ ઘટનાને “ટાર્ગેટ કિલિંગની” ઘટના માની રહી છે. અગાઉ કેનેડાના બ્રિટીશ કોલંબિયા પ્રાંતમાં એક હાઈ સ્કૂલના પાર્કિંગમાં ભારતીય મૂળની કિશોરી મહકપ્રીત સેઠીની હત્યા કરવામાં આવી હતી. એક કિશોરે છરીના ઘા મારીને આ કિશોરીની હત્યા કરી હતી.