બાંગ્લાદેશમાં હજારો હિંદુઓ રસ્તા પર વિરોધ કરવા ઉતર્યા
ઢાંકા : બાંગ્લાદેશ હિંદુ જાગરણ મંચે શુક્રવારે શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર બર્બર હુમલાઓ, આગચંપી અને લૂંટફાટ વિરુદ્ધ એક મોટું પ્રદર્શન કર્યું હતું. રાજધાની ઢાકાના શાહબાગમાં હજારો હિંદુઓ એકઠા થયા હતા અને દેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલી હિંસા સામે અવાજ ઉઠાવ્યો હતો. સાંજે ૪ થી ૭ઃ૩૦ સુધી શાહબાગ ચારરસ્તા બંધ રહ્યો હતો. રેલીના આયોજકોએ હિંદુઓ પર તાજેતરના હુમલાઓનો ઉલ્લેખ કર્યો, ઢાકા ટ્રિબ્યુને અહેવાલ આપ્યો. આમાં દિનાજપુરમાં ચાર હિંદુ ગામોને બાળી નાખવાનો પણ સમાવેશ થાય છે, જેમાં ઘણા હિંદુઓને નિરાધાર છોડીને સરહદી વિસ્તારોમાં આશ્રય લેવાનો સમાવેશ થાય છે.
હિન્દુ પ્રદર્શનકારીઓએ બપોરે ૩ વાગ્યાની આસપાસ નેશનલ પ્રેસ ક્લબની સામે એકઠા થયા અને શાહબાગ ચારરસ્તા તરફ કૂચ કરી હતી. શાહબાગ ચોક પર તેમની સંખ્યા હજારોમાં હતી. રેલી દરમિયાન, હિંદુ સમુદાયે ચાર મુદ્દાની માંગણીઓ રજૂ કરીઃ લઘુમતી મંત્રાલયની સ્થાપના, લઘુમતી સંરક્ષણ આયોગની રચના, લઘુમતીઓ પર હુમલા અટકાવવા કડક કાયદા અને લઘુમતીઓ માટે ૧૦ ટકા સંસદીય બેઠકોની ફાળવણીની માગણી કરી હતી. રેલીમાં બોલતા એકે કહ્યું કે, ‘આપણે આ દેશમાં જન્મ્યા છીએ. આ દેશ દરેકનો છે. હિન્દુઓ દેશ છોડશે નહીં. આ આપણા પૂર્વજાેનું જન્મસ્થળ પણ છે. અમે અહીં ઉડીને નથી આવ્યા. આ કોઈના બાપનો દેશ નથી. આ કોઈના પતિનો દેશ નથી. અમે આ દેશ છોડીશું નહીં. તેમણે વધુમાં કહ્યું કે, હું મરી જઈશ તો પણ મારી જન્મભૂમિ છોડીશ નહીં. રેલી ઉપરાંત મોનેર દયાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં પહોંચેલા લોકોના હાથમાં કાગળ પર લખેલા સૂત્રો હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે ધાર્મિક શિક્ષણની જરૂર નથી. ચાલો આપણે માનવતાના ઉપદેશમાં શિક્ષિત બનીએ. એક પોસ્ટર પર લખવામાં આવ્યું હતું કે દેશ ત્યારે જ આઝાદ થશે જ્યારે રાષ્ટ્ર સારા શિક્ષણથી શિક્ષિત હશે. રેલીમાં ભાગ લેવા આવેલા એક વ્યક્તિએ કહ્યું કે, જે પણ સત્તામાં આવે, અમે અમારા ઘરો અને ધાર્મિક સંસ્થાઓની સુરક્ષા ઈચ્છીએ છીએ.