અમદાવાદ : અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ચાલતા રોડ-રસ્તાના સમાકામ પરિણામ સ્વરૂપે હાલમાં શહેરના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ભારે અંધાધૂંધી સર્જાઈ ગઈ હતી. અમદાવાદના નરોડા-નારોલ નેશનલ હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ ટ્રાફિક જામના કારણે હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો ટ્રાફિકની વચ્ચે ફસાયા હતા. જેમાં બાળકો સાથેના વાહનોનો સમાવેશ થાય છે. વિરાટનગર ખાતે ઓવરબ્રિજનું કામ પણ ચાલી રહ્યું છે તેની સીધી અસર થઈ રહી છે. ઈસનપુર, જશોદાનગર, સીટીએમ, રબારી કોલોની, રામરાજ્યનગર અને ઓઢવ સહિતના રસ્તાઓ ઉપર હાલત કફોડી બની ગઈ હતી. એમ્બ્યુલન્સ પણ ફસાઈ હોવાના સમાચાર મળ્યા છે.
નરોડાથી નારોલ સુધીના રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર લોકો અટવાયા હતા. સીટીએમના સર્વિસ રોડ પરનું કામ પણ દિવસ દરમિયાન ચાલતું રહે છે. જેથી અહીં પણ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કમનસીબ બાબત એ છે કે ઈમરજન્સી સેવાઓમાં પણ એમ્બ્યુલન્સ ગાડીઓ ટ્રાફિકમાં અટવાઈ પડે છે. રોડ રિપેરીંગનું કામ રાત્રિના ગાળામાં કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. સામાન્ય રીતે તંત્રની ઉદાસિનતાના કારણે રોડ રીપેરીંગ અને અન્ય સંબંધિત કામો પણ દિવસના ગાળામાં જ થતા જાવા મળે છે. આવી સ્થિતિમાં સવારમાં અકસ્માત સર્જાવાના ભય પણ વધી જાય છે.
આવી સ્થિતિમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં હવે કોર્પોરેશનના જટીલ કામોને રાત્રિના ગાળામાં જ હાથ ધરવા માટે રજુઆત કરવામાં આવી રહી છે. અગાઉ પણ આ પ્રકારના ટ્રાફિક જામ જાવા મળી ચુક્યા છે. હાલમાં શહેરમાં ઘણી જગ્યાએ મેટ્રોના કારણે પણ રસ્તાઓ પર કામગીરી ચાલી રહી છે. જેના લીધે પણ ટ્રાફિક ડાયવર્ઝન અને રસ્તાઓ ટુંકા થયા હોવાથી ભરચક કલાકોમાં લોકોને ભારે મુશ્કેલી પડે છે. આને લઈને પણ કામ રાત્રિના ગાળામાં જ હાથ ધરાય તેમ લોકો માને છે.