સોનાના ભાવ ઘટવાની શક્યતા નથી

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમેરિકા અને ચીન વચ્ચે વેપાર જંગને લઇને વાતચીતમાં પ્રગતિના અહેવાલ આવ્યા બાદ નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં સોનાની કિંમતમાં આંશિક રીતે ઘટાડો થયો હતો. જો કે આ ઘટાડો સ્થાયી નથી. મલ્ટી કોમોડીટીઝ એક્સચેંજ ઓફ ઇન્ડિયા લિમિટેડ પર સોનાની કિંમત ઘટીને ૩૭૭૪૩ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. જે ફેબ્રુઆરીમાં ૪૦૦૦૦ રૂપિયાથી ઉપર હતી. જો કે આ વર્ષે સોનાની કિંમતમાં ૧૩ ટકા સુધીનો ઉલ્લેખનીય વધારો થઇ ચુક્યો છે. સોનાની ચમક હાલમાં ફિકી થવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. એમસીએક્સ પર વાયદા ભાવ ડિસેમ્બરના અંત સુધી ફરી ૪૦ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્તર સુધી પહોંચી શકે છે. એમસીએક્સ એક કોમોડીટી એક્સચેંજ તરીકે છે. જે ભારતમાં કોમોડીટી વાયદા કારોબાર માટે ઓનલાઇન ટ્રેડિંગ ક્લિયરિંગ અને નિકાલ પરિસંચાલન કરે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ભારતમાં સોનાનુ ઉત્પાદન ઓછુ થાય છે. જેથી અમે પોતાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે આયાત પર મુખ્ય રીતે આધારિત રહીએ છીએ.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં આવેલી તેજી અને સરકાર દ્વારા સોનાની આયાત પર ચાર્જ અને ડ્યુટીને ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરવાના કારણે છેલ્લા કેટલાક મહિનામાં સોનાની કિંમતમાં ઉલ્લેખનીય વધારો થયો છે. સોનાની કિંમતમાં આવેલા ઉછાળાના કારણે કેટલાક પરિબળો પર ચર્ચા થઇ રહી છે. ડોલરની સામે રૂપિયાની કિંમતમાં ઘટાડો પણ થઇ રહ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપારી જંગ વહેલી તકે ખતમ થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. જેના કારણે સોનાની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. કારણ કે અમેરિકા જંગને જીતી જવા માટે ડોલરને અન્ય કરેન્સી કરતા વધારે મજબુત રાખવા માટેના પ્રયાસમાં છે. હાલમાં ડોલરની સામે રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

નિષ્ણાંતોના કહેવા મુજબ જો ડોલરની સામે રૂપિયો કમજોર થઇને ૭૨ સુધી પહોંચી જાય છે તો સોનાના ભાવ ૪૦ હજાર રૂપિયાના આંકડાને પાર કરી શકે છે. સોનાની કિંમતમાં ઉતારચઢાવ પર અમેરિકી ફેડરલ રિઝર્વની પોલીસીની પણ સીધી અસર થાય છે. ફેડરલ રિઝર્વ દ્વારા જુલાઇમાં વ્યાજદરમાં ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. જેથી ડોલરની સ્થિતિ મજબુત થઇ હતી. વર્ષ ૨૦૧૯માં કૃષિ જિન્સોની કિંમત કમજોર રહેવાના કારણે ખેડુતોની આવક ઓછી રહી છે. જ્યારે દેશના કેટલાક પ્રાંતોમાં વધારે વરસાદ થયો છે. કેટલાક વિસ્તારોમાં દુકાળની સ્થિતિ રહી છે. મોનસુનમાં અપેક્ષા મુજબનો વરસાદ થયો નથી. મોટા ભાગના ખેડુતોને તેમના પાક માટે લઘુતમ સમર્થન મુલ્ય મળી રહ્યા નથી. જેથી તેમની આવક સતત ઘટી રહી છે.

ભારતમાં સોનાની આયાતમાં છેલ્લા વર્ષની તુલનામાં ૫૫ ટકાનો ઘટાડો થયો છે. જે ત્રણ વર્ષની નીચલી સપાટી પર છે. ભારતે જુલાઇ મહિનામાં ૩૯.૬૬ ટન સોનાની આયાત કરી હતી. જે એક વર્ષ પહેલા આજ મહિનાની તુલનામાં અડધા કરતા ઓછી છે. ગયા વર્ષે આજ મહિનામાં સોનાની આયાત ૮૮.૧૬ ટન રહી હતી. નાણાંમાં આ આયાત ૪૨ ટકા ઘટીને ૧.૭૧ અબજ ડોલર રહી છે. બીજા દેશોની તુલનામાં ભારતમાં હજુ સોનાની માંગ વધારે છે. જ્યારે વૈશ્વિક સ્તર પર તેની માંગમાં માત્ર આઠ ટકા સુધીનો વધારો થયો છે. દુનિયાભરના કેન્દ્રિય બેંકોની ખરીદી અને સુવર્ણ આધારિત ઇટીએમમાં રોકાણ વધી જવાના કારણે જુન ત્રિમાસિક ગાળામાં સોનાની વૈશ્વિક માંગ ૧૧૨૩ ટન પર પહોંચી ગઇ છે. આર્થિક સુસ્તીના કારણે પણ સોનાની માંગ પર પ્રતિકુળ અસર થઇ રહી છે. સોનાની કિંમત ઘટશે તેમ માની રહેલા લોકોને ફટકો પડી શકે છે.

Share This Article