નવીદિલ્હી : લોકસભા ચૂંટણીમાં મોટા લાભ લેવાના ઇરાદાથી આ હિલચાલને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. અનામતની કેટલીક શરતો રહેલી છે જેના ભાગરુપે જે પરિવારને વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી છે તેને ફાયદો મળશે. આની સાથે સાથે શહેરમાં એક હજાર સ્કેવર ફુટથી નાના મકાનો અને પાંચ એકરથી ઓછી કૃષિ જમીન ધરાવનારને પણ આનો લાભ મળશે. કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયથી કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે. પ્રસ્તાવ પાસ થયા બાદ હવે તેને બંધારણમાં સુધારા માટે ગૃહમાં રજૂ કરાશે.
આવી સ્થિતિમાં જો કોંગ્રેસ પાર્ટી પ્રસ્તાવનો વિરોધ કરશે તો તે પાર્ટીને સવર્ણોની નારાજગીનો સામનો કરવો પડશે. રાજ્યસભામાં ભાજપ પાસે બહુમતિ નથી. આવી સ્થિતિમાં આ પ્રસ્તાવ કોંગ્રેસની મદદ વગર પાસ થઇ શકશે નહીં. આગામી દિવસો ખુબ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. આર્થિકરીતે નબળા વર્ગના લોકોને આનો લાભ મળી શકશે. બંધારણની કલમ ૧૫ અને ૧૬માં આ નિર્ણયના અમલીકરણ માટે સુધારા કરવામાં આવશે. હાલમાં અનામત ક્વોટા ૪૯.૫ ટકા છે જેને વધારીને ૫૯.૫ ટકા કરવાનો મુખ્યરીતે ઉદ્દેશ્ય રહેલો છે.
અનામતનો લાભ લેવા માટે નિવાસી આવાસ ૧૦૦૦ સ્કેવર ફુટથી ઓછા રહેવા જાઇએ. આ ઉપરાંત નોટિફાઇડ કરવામાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૧૦ યાર્ડ કરતા ઓછા રેસિડેન્ટલ પ્લોટ ધરાવનાર લોકોને પણ રાહત થશે. આવી જ રીતે ૨૦૦ યાર્ડથી નીચેના રેસિડેન્ટલ પ્લોટ નોન નોટિફાઇડ મ્યુનિસિપલ વિસ્તારમાં રહેશે તો પણ તેને લાભ મળી શકશે. સરકાર દ્વારા આવતીકાલે મંગળવારના દિવસે ક્વોટા અંગે બંધારણીય સુધારા બિલ રજૂ કરવામાં આવી શકે છે.