અમદાવાદ : રાઇટ ટુ એજયુકેશન એક્ટમાં પ્રાથમિક શાળામાં ધોરણ-૮ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાય નહીં તેવો નિયમ છે. આ નિયમમાં કેન્દ્ર સરકારે ફેરફાર કરીને નાપાસ કરવા કે નહીં તેનો નિર્ણય લેવાની સત્તા જે તે રાજ્ય સરકારને આપી છે. જેના પગલે ગુજરાત સરકારે ધો-૫ અને ધો-૮માં વિદ્યાર્થી નાપાસ થતો હોય તો નાપાસ જ કરાશે એ મતલબનો નિર્ણય લીધો છે. એટલું જ નહી, આ નિયમ ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી જ લાગુ થશે. જો કે, સરકારના આ નિર્ણયને પગલે બાળકોના વાલીઓમાં ભારે નારાજગીની લાગણી પણ ફેલાઇ છે.
વિદ્યાર્થીને નાપાસ નહી કરવાથી શિક્ષણની ગુણવત્તા પર અસર થતી હોય છે અને તેની અસર પછી ધો-૯ અને ધો-૧૦ના શિક્ષણ પર પડે છે. ઉપરાંત વિદ્યાર્થીના મનોવલણ પર પણ ગંભીર અસર થાય છે. આથી કેન્દ્ર સરકારે નાપાસ ન કરવાની જોગવાઈમાં ફેરફાર કરીને એવું નક્કી કર્યુ કે, ધો-૮ સુધીમાં કયાં ધોરણમાં વિદ્યાર્થીને નાપાસ કરવો તે જે તે રાજ્ય સરકાર નક્કી કરી શકે છે.
જે સંદર્ભે ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગે ધો-૫ અને ધો-૮માં વિદ્યાર્થી નાપાસ થતો હોય તો નાપાસ જ કરાય તેવી દરખાસ્ત તૈયાર કરી છે. હવે આ દરખાસ્તને તાકીદે મંજૂર કરી તેની અમલવારી આ જ વર્ષથી જ લાગુ કરવાની દિશામાં કવાયત આરંભી છે. જો કે, બીજીબાજુ, રાજય સરકારના આ નિર્ણયને પગલે વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે નારાજગીની લાગણી ફેલાઇ છે.