LACની પાસે અમેરિકાની સાથે સૈન્ય અભ્યાસ પર ચીનના વિરોધનો ભારતે આપ્યો આ જવાબ..

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉત્તરાખંડમાં વાસ્તવિક નિયંત્રણ રેખાથી લગભગ ૧૦૦ કિમી દૂર ભારત-અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘યુદ્ધ અભ્યાસ’ થી ચીને નારાજ થયું છે. ચીને સૈન્ય અભ્યાસ સામે વાંધો ઉઠાવતા તેનો વિરોધ કર્યો છે. ચીને સંયુક્ત ભારત-અમેરિકા સૈન્ય અભ્યાસનો વિરોધ કરતા કહ્યું છે કે તે નવી દિલ્હી અને બેઇજિંગ વચ્ચે થયેલા બે સરહદ કરારની ભાવનાનું ઉલ્લંઘન કરે છે. ભારતે ચીનના વાંધાને સીધો ફગાવી દીધો છે. ભારતે કહ્યું કે યુદ્ધ અભ્યાસને ૧૯૯૩ના કરાર સાથે કોઈ લેવાદેવા નથી. ચીન પોતે જ સમજૂતીનું ઉલ્લંઘન કરે છે, તેણે પહેલા પોતાના વ્યવહારના ઉલ્લંઘન વિશે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું, “ચીન અથવા અન્ય કોઈ દેશને ભારતના સૈન્ય અભ્યાસ પર કોઈ અધિકાર અથવા વીટો નથી.”

ભારતે ગુરુવારે ઉત્તરાખંડના ઔલીમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) નજીક યુએસ સાથે સંયુક્ત યુદ્ધ અભ્યાસ અંગેના ચીનના વાંધાને નકારી કાઢતા ગુરુવારે કહ્યું કે તે આવા મુદ્દાઓ પર કોઈ ત્રીજા દેશને ‘વીટો’ આપી શકે નહીં. ચીન પર પ્રહાર કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારોને જણાવ્યું હતું કે ઔલીમાં અમેરિકા સાથે સંયુક્ત યુદ્ધ અભ્યાસને ચીન સાથેના ૧૯૯૩ અને ૧૯૯૬ના કરારો સાથે કોઈ લેવાદેવા નથી. બાગચીએ કહ્યું, “ચીન પક્ષે આ મુદ્દો ઉઠાવ્યો હોવાથી, હું રેખાંકિત કરીશ કે ચીને ૧૯૯૩ અને ૧૯૯૬ના કરારોના ઉલ્લંઘન વિશે પોતાને માટે વિચારવું જોઈએ. તેમણે કહ્યું- ભારતે કોની સાથે યુદ્ધ અભ્યાસ કરે છે, તેને લઈને કોઈ ત્રીજો પક્ષ વીટો પ્રદાન કરી શકે નહીં. તેમણે કહ્યું કે, ભારતનો અમેરિકા સાથે સંબંધ છે અને તેને કોઈ વીટો ન કરી શકે.

નોંધનીય છે કે ચીને અમેરિકાની સાથે ઉત્તરાખંડમાં ભારતના યુદ્ધ અભ્યાસનો વિરોધ કરતા કહ્યું હતું કે ચીન-ભારત પાસે વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ૧૯૯૩ અને ૧૯૯૬માં ચીન અને ભારત વચ્ચે થયેલી સમજુતીની ભાવનાનું ઉલ્લંઘન કરે છે.

Share This Article