નોન-બેંકિંગ ફાયનાન્સ કંપની SBFC ફાયનાન્સમાં લોકોએ ઉત્સાહ સાથે રોકાણ કર્યું છે. SBFC FINANCE IPO ૭૪ ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો છે. કંપનીના શેરને પણ ગ્રે માર્કેટમાં સારી સ્થિતિ જોવા મળી રહી છે. SBFC FINANCEનો IPO ૩જી ઑગસ્ટના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને IPO ૭મી ઑગસ્ટે બંધ થઈ ગયો છે. કંપનીના શેર ૧૬ ઓગસ્ટના રોજ સ્ટોક એક્સચેન્જમાં દસ્તક આપી શકે છે. SBFC ફાયનાન્સ IPOની પ્રાઇસ બેન્ડ રૂ ૫૪-૫૭ છે. કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ૪૦ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જો કંપનીના શેર રૂ.૫૭ના અપર પ્રાઇસ બેન્ડ પર ફાળવવામાં આવે તો કંપનીના શેર રૂ.૯૭ના ભાવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. એટલે કે, SBFC ફાયનાન્સના IPOમાં રોકાણકારો લિસ્ટિંગના દિવસે જ ૭૦% થી વધુ નફો કરી શકે છે.
કંપનીના IPOમાં શેરની ફાળવણી ૧૦ ઓગસ્ટના રોજ ફાઇનલ થશે. SBFC ફાયનાન્સ IPO ૭૪.૦૩ વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. આ ડેટા સમાચાર લખાય છે ત્યાં સુધીનો છે. કંપનીના IPOનો રિટેલ ક્વોટા ૧૧.૫૪ ગણો સબસ્ક્રાઇબ થયો છે. જ્યારે, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ ક્વોટા ૨૦૩.૬૧ વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. જ્યારે નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ નો ક્વોટા ૫૧.૮૧ ગણો સબસ્ક્રાઇબ થયો છે. કંપનીના IPOમાં કર્મચારીઓનો ક્વોટા ૬.૧૫ ગણો સબસ્ક્રાઇબ થયો છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ એ તેમના ક્વોટા શેર માટે ૬.૭૧ ગણી બિડ કરી છે. કંપનીએ કર્મચારીઓ માટે રૂ. ૧૦.૨૫ કરોડના શેર અલગ રાખ્યા હતા અને તેઓએ તેમના શેરના ૨.૪૪ ગણા સબસ્ક્રાઇબ કર્યા છે. તેઓને આ શેર્સ ઓફર ભાવથી પ્રતિ શેર રૂ. ૨ના ડિસ્કાઉન્ટ પર મળશે.
IPOનો અડધો ભાગ QIB માટે, ૧૫ ટકા NII માટે અને બાકીનો ૩૫ ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે. SBFC ફાઇનાન્સ એ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની છે. ક્લેરમોન્ટ ગ્રુપ અને આર્પવુડ ગ્રુપે તેમાં રોકાણ કર્યું છે. કંપની તેના IPO દ્વારા રૂ. ૧,૦૨૫ કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીએ આ અગાઉ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. ૩૦૪.૪૨ કરોડ મેળવ્યા હતા. આ શેર એન્કર રોકાણકારોને શેર દીઠ રૂ. ૫૭ના ભાવે ફાળવવામાં આવ્યા હતા.