પોંડીચેરી વિધાનસભામાં અત્યારે નાટક ચાલી રહ્યુ હોય તેવો માહોલ બન્યો છે. 3 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિધાનસભાની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. આ ત્રણેય ધારાસભ્યોને સ્પીકર વૈધાલિંગમે વિધાનસભામાં આવવા દેવાથી ઇન્કાર કરી દીધો છે.
વી. સ્વામીનાથન, કે.જી શંકર અને સેલ્વા ગણપતિ પોંડીચેરી વિધાનસભા બહાર પ્રદર્શન કરી રહ્યા છે. આ ત્રણેય ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે તેમને વિધાનસભામાં અંદર જવા દેવામાં આવ્યા નથી. આ ત્રણેયને ઉપરાજ્યપાલ કિરણ બેદીએ ધારાસભ્યની પદવી આપી હતી.
આ ત્રણેયને ધારાસભ્યનુ પદ આપ્યુ છે તેના ઉપર કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. આ મામલો હાઇકોર્ટથી હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સ્પીકરે કહ્યુ છે કે, આ ત્રણેય યોગ્ય રીતે ધારાસભ્ય નથી બન્યા માટે તેમને વિધાનસભામાં નહી બેસવા દેવામાં આવે.
પોંડીચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ પણ આ ત્રણેયના ધારાસભ્ય હોવા પર સવાલ ઉઠાવ્યા હતા. હવે કોંગ્રેસે આ મામલાને લઇને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ બાબત ઉપર હવે શુ નિર્ણય આવે છે તે જોવુ રહ્યું.