૧ જુલાઈથી દેશભરમાં આ ૧૯ વસ્તુઓ પર પ્રતિબંધ

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

દેશમાં ૧ જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગવા જઈ રહ્યો છે. સરકારે હજુ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી ૧૯ આઈટમ્સ પર બેન લગાવ્યો છે. ૧ જુલાઈથી આ આઈટમ્સને બનાવવા, વેચવા, સ્ટોર કરવા કે એક્સપોર્ટ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગી જશે. આ પ્રતિબંધ એટલા માટે લગાવવામાં આવી રહ્યો છે. કેમ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાથી થનારા પ્રદૂષણને ઓછું કરી શકાય. સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિકમાંથી બનેલી એવી વસ્તુઓ જેનો આપણે માત્ર એક જ વાર ઉપયોગ કરી શકીએ કે પછી તેનો ઉપયોગ કરીને ફેંકી દેવામાં આવે છે. જેનાથી પર્યાવરણને અને આપણા સ્વાસ્થ્યને ભયંકર નુકસાન પહોંચે છે.

પર્યાવરણ મંત્રાલયના અધિકારીઓએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી ૧૯ આઈટમ્સને એન્વાર્યમેન્ટ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત પ્રતિબંધિત કરવામાં આવી છે. જો કોઈ તે વસ્તુનો ઉપયોગ કરે છે તો તેને એક્ટની કલમ ૧૫ અંતર્ગત દંડ કે જેલ કે બંને સજા થઈ શકે છે. કલમ ૧૫ અંતર્ગત ૭ વર્ષની જેલ અને ૧ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. કઈ-કઈ વસ્તુ પર પ્રતિબંધ લાગ્યોઃ ૧. પ્લાસ્ટિક સ્ટિકવાળા ઈયર બડ્‌સ, ૨. ફુગ્ગા માટે પ્લાસ્ટિ સ્ટિક, ૩. પ્લાસ્ટિકના ઝંડા, ૪. કેન્ડી સ્ટીક, ૫. આઈસક્રીમ સ્ટીક, ૬. થર્મોકોલ, ૭. પ્લાસ્ટિકની પ્લેટ, ૮. કપ, ૯. ગ્લાસ, ૧૦. કટલરી, ૧૧. કાંટા, ૧૨. ચમચી, ૧૩. ચાકૂ, ૧૪. સ્ટ્રો અને ટ્રે, ૧૫. મિઠાઈના ડબ્બાને રેપ કે પેક કરનારી ફિલ્મ, ૧૬. ઈન્વિટેશન કાર્ડ, ૧૭. સિગારેટના પેકેટ, ૧૮. ૧૦૦ માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિક કે પીવીસી બેનર, ૧૯. સ્ટિરર સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ માટે અત્યંત ખતરનાક છે. આવું પ્લાસ્ટિક ડિકંપોઝ થતું નથી અને તેને સળગાવી પણ શકાતું નથી. તેના ટુકડા પર્યાવરણમાં ઝેરીલા રસાયણ છોડે છે. જે માણસો અને પશુઓ માટે ખતરનાક હોય છે. તે સિવાય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો વરસાદના પાણીને જમીનની નીચે જતું રોક છે. જેનાથી ગ્રાઉન્ડ વોટર લેવલમાં ઘટાડો થાય છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે દુનિયામાં દર મિનિટે ૧૦ લાખ પ્લાસ્ટિકની બોટલ ખરીદવામાં આવે છે. જ્યારે ૫ લાખ કરોડ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ દર વર્ષે થાય છે. પ્લાસ્ટિકમાંથી બનેલ અડધાથી વધારે પ્રોડક્ટ સિંગલ યુઝ માટે બનેલા હોય છે. આ કારણે ધરતી પર પ્લાસ્ટિકનો કચરો એકઠો થતો રહ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે દર વર્ષે ૪૦ કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી સમુદ્રમાં લગભગ ૨૦ કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો જમા થઈ ચૂક્યો છે. ૨૦૧૬ સુધી દર વર્ષે ૧.૪ કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો સમુદ્રમાં જતો હતો અને ૨૦૪૦ સુધી દર વર્ષે ૩.૭ કરોડ ટન કચરો સમુદ્રમાં જવાનું અનુમાન છે. ભારતની વાત કરીએ તો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો એક સર્વે કહે છે કે દેશમાં દરરોજ ૨૬ હજાર ટન પ્લાસ્ટિકનો કચરો નીકળે છે. જેમાંથી માત્ર ૬૦ ટકા જ એકઠો કરી શકાય છે. બીજો કચરો નદી-નાળામાં મળી જાય છે અને ત્યાં પડી રહે છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા પ્રમાણે ભારતમાં દર વર્ષે ૨.૪ લાખ ટન સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પન્ન થાય છે. આ હિસાબે દર વ્યક્તિ દર વર્ષે ૧૮ ગ્રામ સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરો પેદા કરે છે.

૨૦૧૭માં ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે એક ભારતીય દર વર્ષે ૧૧ કિલો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે.

૨૦૧૭માં જ આવેલી નેચર કમ્યુનિકેશનનો એક રિપોર્ટ જણાવે છે કે મહાસાગરો સુધી ગંગા નદીમાં વહીને મોટાપાયે કચરો પહોંચે છે. સમુદ્ર સુધી સૌથી વધારે પ્લાસ્ટિકનો કચરો ફેલાવવામાં ગંગા નદી બીજા નંબરે છે. એક્સપર્ટનું અનુમાન છે કે જે ઝડપથી સમુદ્રમાં ફેલાઈ રહ્યો છે. જો આ સ્પીડ રહેશે તો ૨૦૫૦ સુધી સમુદ્રમાં માછલીઓથી વધારે પ્લાસ્ટિક હશે. કેન્દ્ર સરકારે અત્યાર સુધી ૧૯ આઈટમ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આગળ તેમાં બીજી વસ્તુઓને પણ જોડવામાં આવી શકે છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પ વિશે જણાવ્યું છે. પ્લાસ્ટિક બેગની જગ્યાએ કોટન બેગનો ઉપયોગ કરી શકાય. આ જ રીતે પ્લાસ્ટિકમાંથી બનેલી ચમચીની જગ્યાએ બામ્બુ સ્ટિકનો ઉપયોગ કરી શકાય. તો પ્લાસ્ટિક કપની જગ્યાએ કુલ્લડનો ઉપયોગ કરી શકાય છે. દેશમાં પહેલાંથી જ ૫૦ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકને બનાવવા, વેચવા કે સ્ટોર કરવા પર પ્રતિબંધ છે. ૩૦ સપ્ટેમ્બરથી ૭૫ માઈક્રોનથી ઓછી જાડાઈવાળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનાવેલી ૧૯ આઈટમ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ વર્ષે ૨૮ માર્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે ૩૧ ડિસેમ્બર ૨૦૨૨થી ૧૨૦ માઈક્રોનથી વધારે જાડા પ્લાસ્ટિક કેરી બેગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.

Share This Article