બેંગલોર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં લોકસભા ચૂંટણીને લઇને ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકમાં જોરદાર પ્રચાર કરવા માટેની રણનિતી તૈયાર કરી લીધી છે. આ રણનિતી હેઠળ મોદી રાજ્યમાં કુલ સાત સભા કરનાર છે. જ્યારે પાર્ટી પ્રમુખ અમિત શાહ પણ રાજ્યમાં છ ચૂંટણી રેલી કરનાર છે. ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક પર સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરી દીધુ છે. એમ માનવામાં આવે છે કે પાર્ટીને દક્ષિણના રાજ્યો પૈકી સૌથી વધારે સીટ તો કર્ણાટકમાંથી જ મળવાની આશા છે. છેલ્લી ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવ્યો હતો અને મોટા ભાગની સીટો જીતી લીધી હતી. કર્ણાટકમાં પાર્ટીને કુલ ૨૮ સીટો પૈકી ૧૭ સીટો મળી હતી.
પાર્ટી ફરી એકવાર છેલ્લી ચૂંટણી જેવો દેખાવ કરવા માટે સંપૂર્ણરણે તૈયાર દેખાઇ રહી છે. પાર્ટી નરેન્દ્ર મોદીના કરિશ્મા પર જ આધાર રાખી રહી છે. જેથી મોદીની સાત સભા રાખવામાં આવી રહી છે. મોદીની આ સાત સભા પૈકી પહેલી સભા આવતીકાલે નવમી એપ્રિલના દિવસે ચિત્રદુર્ગમાં યોજવામાં આવનાર છે. આવતીકાલે જ તેમી મૈસુરમાં પણ રેલી થનાર છે. ત્યારબાદ મોદી ૧૨મી એપ્રિલના દિવસે ગંગાવતી તથા ૧૩ અને ૧૮મી એપ્રિલના દિવસે મેંલોર, બેંગલોર, બાગલકોટ, તેમજ ચિક્કોડી ખાતે જનસભા કરનાર છે. મોદી ઉપરાંત પાર્ટી અધ્યક્ષ અમિત શાહની પણ કેટલીક રેલી રાખવામાં આવી છે.
સુષ્મા સ્વરાજ પણ એક રેલી કરનાર છે. તેમની ૨૦મી એપ્રિલના દિવસે હુબલીમાં રેલી થનાર છે. કર્ણાટકમાં નિતિન ગડકરી, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિતયનાથ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન તેમજ કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાની પણ સભા કરનાર છે. ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત કર્ણાટકમાં લગાવી દેવા માટે કમર કસી લીધી છે. કર્ણાટકના સ્થાનિક નેતાઓ પણ જોરદાર તૈયારીમાં લાગી ગયા છે. કર્ણાટકમાં લોકસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ આક્રમક વ્યુહરચના તૈયાર કરી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. જો કે સરકાર કુમારસ્વામીની મદદથી કોંગ્રેસે બનાવી હતી. જો કે કુમારસ્વામી સરકારમાં કોંગ્રેસ સાથી પાર્ટી છે અને મુખ્યપ્રધાન જેડીએસના છે.