નવી દિલ્હી: ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આ સપ્તાહના છેલ્લા ગાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇકોનોમિક રિવ્યુની મહત્વપૂર્ણ બેઠક બોલાવી શકે છે જેમાં રૂપિયાના અવમૂલ્યને રોકવા માટે જુદા જુદા પગલા પર વિચારણા કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સરકાર પેટ્રોલિયમ પેદાશોની વધતી જતી કિંમતોમાં ધ્યાન આપીને કોઇ મોટી જાહેરાત પણ કરી શકે છે. ચાલુ ખાતાકીય ખાધ અને ચીન-અમેરિકામાં ટ્રેડવોરના પરિણામ સ્વરુપે રૂપિયામાં ઘટાડો થઇ રહ્યો છે. નાણાંકીય વર્ષના આ ત્રિમાસિક ગાળામાં વર્તમાન ખાતાકીય જીડીપીનો આંકડો ૨.૪ ટકા થઇ ગયો છે જે આશરે ૧૬ અબજ ડોલરની આસપાસનો છે.
મૂડીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નાણાંકીય વર્ષ ૨૦૧૯માં ભારતના સીએડી જીડીપીનો આંકડો ૨.૫ ટકા થશે. આજે સવારે કારોબાર શરૂ થયા બાદ ડોલર સામે રૂપિયામાં અફડાતફડી રહી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર આરબીઆઈની સાથે મળીને એનઆરઆઇ માટે ડિપોઝિટ સ્કીમની જાહેરાત કરી શકે છે જેના પરિણામ સ્વરુપે મુદ્રાના વિદેશી પ્રવાહમાં તેજી આવશે અને રૂપિયામાં સુધારો થશે. પહેલી ઓગસ્ટથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે જેના માટે રૂપિયામાં થઇ રહેલા ઘટાડાને પણ જવાબદાર ગણવામાં આવે છે.
કેટલાક લોકો આને ૫૦ ટકા સુધી જવાબદાર ગણે છે. ડોલરની સરખામણીમાં ભારતીય બાસ્કેટ ત્રણ ટકા મોંઘો છે. છેલ્લા ૪૦ દિવસના ગાળામાં તેલની આયાતમાં ત્રણ ગણો વધારો થઇ ચુક્યો છે. આગામી દિવસોમાં આ વધુ વધારો થઇ શકે છે. રૂપિયાના અવમુલ્યને રોકવા માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આના ભાગરુપે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આર્થિક રિવ્યુની બેઠક બોલાવવામાં આવનાર છે.