અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવાર ર-ઓકટોબર ગાંધી જન્મજ્યંતિએ પોરબંદરના કિર્તીમંદિરમાં સવારે યોજાનારી સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી આ વિશ્વ માનવ ગાંધીજીને ભાવાંજલિ આપશે. પોરબંદર નગરમાં આ ગાંધી જ્યંતિની નોખી ઉજવણી તરીકે માનવ સાંકળ રચીને બાપૂની પ્રતિકૃતિ નિર્માણ થવાની છે તેનું પણ વિજય રૂપાણી નિરીક્ષણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિવર્ષ ગાંધીજ્યંતિ ર-ઓકટોબરે ખાદી ખરીદી અભિયાનથી ગરીબ ગ્રામીણ પરિવારોના ઘરમાં આર્થિક ઊજાસ પાથરવાનો અભિગમ ગુજરાતના તેમના મુખ્યમંત્રી પદ દરમ્યાન વ્યાપક બનાવ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અભિગમને આગળ ધપાવતાં , ગાંધીજી જન્મજ્યંતિએ બપોરે ૪ વાગ્યે અમદાવાદમાં આશ્રમ રોડ પરના ગ્રામ શિલ્પથી ખાદીની ખરીદી કરશે. વિજય રૂપાણી સાંજે પાંચ વાગ્યે વાડજ સર્કલ પાસે ૧૯ કરોડના ખર્ચે નવા નિર્માણ થનારા ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ ભવન તેમજ ખાદી મ્યૂઝિયમનો શિલાન્યાસ પણ કરવાના છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને જન્મજ્યંતિએ આદરાંજલિ અર્પણ કરવા મંગળવારે સાંજે ૬-૩૦ વાગ્યે સાબરમતી આશ્રમના હ્રદયકુંજમાં પૂ. બાપૂને પ્રિય ભજનો આશ્રમ ભજનાવલિ કાર્યક્રમમાં પ્રસ્તુત થવાના છે.