નવી દિલ્હી : પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલા બાદથી વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ નહીં રમવાની માંગ લાંબા સમયથી ઉઠી રહી છે. આ માંગણીને કેટલાક સંગઠનો અને ખેલાડી પણ ટેકો આપી રહ્યા છે. હવે માન્ચેસ્ટરમાં રમાનારી બંને ટીમોની મેચને લઇને આઈસીસીની બેઠક દુબઈમાં યોજાનાર છે. આ મહિનાની ૨૭મી તારીખે આ બેઠક યોજાનાર છે. સુત્રોનું કહેવું છે કે, આ મુદ્દા ઉપર પણ ચર્ચા થશે. જો કે, આઈસીસીના સીઈઓ દ્વારા સમયની વાત કરીને કાર્યક્રમમાં કોઇ ફેરફાર કરવાનો ઇન્કાર કરી દીધો છે. ૨૭મી ફેબ્રુઆરીના દિવસે યોજાનારી આઈસીસી બેઠકમાં વર્લ્ડકપની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના અનેક મુદ્દા ઉપર ચર્ચા થનાર છે. આઈસીસી સુત્રોનું કહેવું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સૂચિત મેચને લઇને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે. બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું છે કે, સરકારના નિર્દેશ ઉપર આ મામલામાં નિર્ણય લેવામાં આવશે.
હરભજનસિંહે કહ્યું છે કે, ભારતને પાકિસ્તાન સામેની મેચ રમવી જોઇએ નહીં. પાકિસ્તાને પણ મંગળવારના દિવસે પોતાના શૂટરોને ભારત મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પુલવામા હુમલા બાદથી ફરીવાર તંગ બની ગયા છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓમાં પણ નારાજગી દેખાઈ રહી છે. ટીમ ઇન્ડિયાના ક્રિકેટરોએ પુલવામા હુમલાની નિંદા કરી છે. અલબત્ત ક્રિકેટરોએ પાકિસ્તાન સાથે રમવાને લઇને હજુ સુધી કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. તમામ વર્તમાન ક્રિકેટર આને સરકાર અને બીસીસીઆઈના નિર્ણય તરીકે ગણે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, વર્લ્ડકપમાં મેચના બહિષ્કારને લઇને પણ મામલો વધુને વધુ જટિલ બની રહ્યો છે. આવી સ્થિતિમાં બંને ટીમોના ખેલાડીઓની પ્રતિક્રિયા હજુ સુધી જાણી શકાય નથી.