નવી દિલ્હી : ૨૬મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય હવાઇ દળે જોરદાર હવાઇ હુમલા કર્યા હતા. ભારતે ત્રાસવાદી કેમ્પો પર હવાઇ હુમલા કર્યા ત્યારે કેમ્પોમાં ૨૬૩ ત્રાસવાદીઓ અને તેમના કમાન્ડરો હતા. એક ટીવી ચેનલના રિપોર્ટમાં આ અંગેની નક્કર માહિતી સપાટી પર આવી છે. વિશ્વસનીય સુત્રોએ આ આંકડા આપ્યા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે હુમલા વેળા તમામ ત્રાસવાદીઓ અને તેમના કમાન્ડરો પાસે મોબાઇલ ફોન હતા. નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને ત્રાસવાદીઓના મોબાઇલ સિંગ્નલોને નજીકના અંતરથી ટ્રેક કર્યા હતા. ગુપ્તચર સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે હુમલા બાદ તમામ મોબાઇલ સિગ્નલો ગાયબ થઇ ગયા હતા.
હવાઇ દળે પાકિસ્તાનના ખૈબરપખ્તુનખવા પ્રાંતમાં સ્થિત જેશના ત્રાસવાદી અડ્ડાઓ પર બોંબ ઝીંકયા હતા. ત્રાસવાદી અડ્ડા પર બોંબ ઝીંકતા પહેલા પાંચ દિવસ સુધી નજર રાખવામાં આવી રહી હતી. હુમલા દરમિયાન ચાર મિસાઇલ મારફતે ટેરર કેમ્પને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જેશના બાલાકોટ ટ્રેનિંગ કેમ્પમાં ૧૮ સિનિયર કમાન્ડરો પણ હતા. હુમલા દરમિયાન દૌરા એ ખાસ (આધુનિક ટ્રેનિંગ ) માટે ૯૧ ત્રાસવાદીઓ હતા. સામાન્ય ટ્રેનિંગ માટે ૮૩, દૌરા એ મુલાલહ માટે ૩૦ અને આત્મઘાતી હુમલા કરવા માટે ૨૫ ત્રાસવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. આ ઉપરાંત કેમ્પમાં કામ કરતા અન્ય ૧૮ લોકોનો સ્ટાફ પણ હતો. એમ માનવામાં આવે છે કે પહેલી માર્ચના દિવસથી ત્રાસવાદીઓના ટ્રેનિંગની શરૂઆત થનાર હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ હવાઇ હુમલાથી જેશની કમર તુટી ગઇ છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના સામે લડનાર અનેક મોટા ત્રાસવાદી પણ લાપતા થયેલા છે. જેશના લીડર મૌલાના મસુદના તમામ નજીકના લોકો માર્યા ગયા છે.
ભારતીય હવાઇ દળે હુમલા વેળા જે સ્થળ પર હુમલા કર્યા હતા ત્યાં આઠથી નવ ઇમારત હતી.ભારતીય હવાઇ દળે ખાલી રહેલી ચાર ઇમારતોને છોડીને ચાર પર હવાઇ હુમલા કર્યા હતા. તેમાં બોંબ અને મિસાઇલો ઝીંકી હતી. અહીં એકત્રિત ત્રાસવાદીઓ અને તેમના ટ્રેનર રોકાયેલા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાના ૧૨માં દિવસે ૨૬મી ફેબ્રુઆરીના દિવસે ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જોરદાર હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓના તમામ કેમ્પો અને અડ્ડાઓને ફુંકી માર્યા હતા. ભારતીય હવાઇ દળે વહેલી સવારે હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓ અને તેમના આકાઓને તેમની ઓકાત બતાવી હતી અને મિનિટોના ગાળામાં જ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારીને ૩૫૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં તેમના કમાન્ડરો, આકાઓ અને આત્મઘાતી બોંબરોનો સમાવેશ થાય છે. પુલવામા હુમલાના ૧૨ દિવસ બાદ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવા માટે વહેલી પરોઢે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ત્રાસવાદી અડ્ડાઓ ઉપર મિરાજ ૨૦૦૦ વિમાન મારફતે ૧૦૦૦ કિલોગ્રામના બોંબ ઝીંકવામાં આવ્યા હતા. ૧૨ મિરાજ યુદ્ધ વિમાનો દ્વારા જૈશે મોહમ્મદના આલ્ફા-૩ કન્ટ્રોલ રુમ સહિત ત્રાસવાદી અડ્ડાઓને ફૂંકી મારવામાં આવ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. બાલાકોટ અને ચપોટીમાં પણ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા હતા. જૈશે મોહમ્મદના તમામ અડ્ડાઓને આ ગાળામાં ફુંકી મારવામાં આવ્યા હતા. બાલાકોટ, ચિકોટી અને મુઝફ્ફરાબાદમાં જૈશ અને અન્ય ત્રાસવાદી સંગઠનોના અડ્ડાઓને ત્રાસવાદીઓ સાથે ફૂંકી મારવામાં આવ્યા હતા. સમગ્ર ઓપરેશન ૨૧ મિનિટ સુધી ચાલ્યું હતું જે ગાળામાં ભારતીય હવાઇ દળના યુદ્ધવિમાનો પાકિસ્તાનમાં ૮૦ કિલોમીટર સુધી અંદર ઘુસી ગયા હતા. હવાઇ હુમલા ચોક્કસ ટાર્ગેટ પર કરવામાં આવ્યા હતા.