માર્ચમાં ચીનમાં જે પ્લેન ક્રેશ થયું હતુ તે અંગે ચોંકાવનારો ખુલાસો થયો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ચીનનું જે પ્લેન ક્રેશ થયું હતું તે ચાઈના ઈસ્ટર્ન ફ્લાઈટ MU5735 ગ્વાંગઝોઉ પહોંચવાના એક કલાક કરતા પણ ઓછા સમય પહેલા ક્રેશ થઈ ગયું હતું.

વિમાન અકસ્માતનો એક વીડિયો પણ તે વખતે વાયરલ થયો હતો. બોઈંગ ૭૩૭-૮૦૦ જેટ ઉડાણ ટ્રેકિંગ સેવા ફ્લાઈટ રડાર દ્વારા નોંધાયેલા આંકડા મુજબ વિમાન ક્રેશ થયું તે પહેલા બે મિનિટ કરતા પણ ઓછા સમયમાં ૨૯,૦૦૦ ફૂટથી નીચે આવી ગયું હતું. માર્ચ મહિનામાં ચીનમાં એક ભીષણ પ્લેન અકસ્માત થયો હતો જેમાં ઈસ્ટર્ન એરલાઈન્સનું એક પ્લેન ક્રેશ થયું અને ૧૩૨ લોકોએ જીવ ગુમાવ્યા. હવે આ વિમાન અકસ્માત અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે છેલ્લી પળોમાં વિમાનને જાણી જાેઈને ઝડપથી નીચે લાવવામાં આવ્યું હોઈ શકે તેવું બની શકે. આ દાવો વિમાનના બ્લેક બોક્સથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરનારા અમેરિકી અધિકારીઓ દ્વારા કરાયેલી તપાસના પ્રાથમિક પરિણામોના હવાલે કરાઈ રહ્યો છે. દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન કનમિંગથી ગ્વાંગઝોઉ જઈ રહ્યું હતું. અચાનક વુઝોઉમાં ક્રેશ થઈ ગયું.

આ ચોંકાવનારા ખુલાસામાં વોલ સ્ટ્રીટ જર્નલે અમેરિકાના અધિકારીઓના હવાલે જણાવ્યું છે કે બ્લેક બોક્સમાં રેકોર્ડ થયેલા ડેટાથી જાણવા મળે છે કે કોકપિટમાં હાજર એક વ્યક્તિને ઈનપુટ અપાયું હતું, જેના પગલે વિમાન અકસ્માત થયો. આ મામલે જાણકારી ધરાવતા એક વ્યક્તિએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે વિમાને એ જ કર્યું જે કોકપિટમાં હાજર કોઈ વ્યક્તિએ તેને કરવા માટે કહ્યું હતું.

રિપોર્ટ મુજબ જે જાણકારી સામે આવી છે તે પ્રાથમિક હતી અને આ મામલે વધુ માહિતી સામે આવી શકે છે. ત્યારે તે સ્પષ્ટ થશે કે આખરે તે સમયે ખરેખર શું થયું હતું? આ અગાઉ ૨૦ એપ્રિલના રોજ ચીન એવિએશન રેગ્યુલેટરે પ્રાથમિક માહિતી બહાર પાડી હતી જે મુજબ વિમાનમાં કોઈ ખામી સર્જાઈ નહતી. વિમાન ક્રેશ થયું ત્યારે સામાન્ય સ્થિતિમાં હતું. જાે કે વિમાન આખરે ક્રેશ કેવી રીતે થઈ ગયું તે અંગે કોઈ માહિતી અપાઈ નહતી.

વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના સૂત્રોના હવાલે જણાવ્યું છે કે વિમાનમાં કોઈ અન્ય વ્યક્તિ કોકપિટમાં ઘૂસી ગયો હોય અને જાણી જાેઈને ક્રેશ કરાવવાનું કારણ બન્યો હોય તે વાતની પણ સંભાવના છે. વિમાન હાઈજેકના અનેક કેસમાં ક્રેશ થયાની ઘટના પણ જાેવા મળતી હોય છે. ૧૯૯૯ બાદ પાઈલટો દ્વારા જાણી જાેઈને વિમાન ક્રેશ કરાવવાની ઘટના બે વાર સામે આવી છે. આવી ઘટનાઓમાં એક ઘટના એ હતી કે ૧૯૯૯માં ઈજિપ્તએર ફ્લાઈટ ૯૯૦ના કોકપિટમાં રહેલા ફર્સ્‌ટ ઓફિસરે વિમાનના કેપ્ટન આરામ કરવા ગયા તે સમયે ઓટોપાઈલટ અને એન્જિન બંધ કરી દીધા હતા.

વિમાન એટલાન્ટિક મહાસાગરમાં ક્રેશ થઈ ગયું. જેમાં ૨૧૭ લોકો માર્યા ગયા હતા. એ જ પ્રકારે ૨૦૧૫ના માર્ચમાં જર્મનવિંગ ફ્લાઈટ ૯૫૨૫ના ફર્સ્‌ટ ઓફિસરે કેપ્ટનને કોકપિટ બહાર લોક કરી દીધો હતો અને વિમાન ફ્રાન્સના પહાડો પર ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ૧૫૦ લોકો માર્યા ગયા હતા.

Share This Article