PM મોદીના આવાસની ઉપર ડ્રોન ઉડ્યાની માહિતી મળતાં ખળભળાટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પીએમ મોદીના આવાસની ઉપર ડ્રોન દેખાયાની માહિતી મળતા ખડભડાટ મચી ગયો છે. ત્યારે આ મામલે તાત્કાલિક SPG એ દિલ્લી પોલીસને કરી જાણ કરી છે અને ડ્રોન મામલે તપાસ શરુ કરી છે. મળતી માહિતી મુજબ સોમવારે વહેલી સવારે વડાપ્રધાન મોદીના આવાસની ઉપર ડ્રોન જોવા મળ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદીનું આવાસ નો ફ્લાઈંગ ઝોન અને નો ડ્રોન ઝોન હેઠળ આવે છે. આવી સ્થિતિમાં અહીં ડ્રોન જોવા મળ્યાની માહિતીને પગલે ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ ઘટના સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હોવાની જણાવવામાં આવી રહી છે. જે બાદ સમગ્ર મામલાની સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ એ આ મામલે તરત જ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને ડ્રોનની તપાસમાં જોડાઈ હતી.

મામલાની જાણ થતા જ પોલીસની તપાસ સતત ચાલી રહી છે, પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ પોલીસને હજુ સુધી કંઈ મળ્યું નથી. આ અંગે માહિતી આપતાં દિલ્હી પોલીસે કહ્યું કે, તેમને PM મોદીના આવાસની ઉપરના નો-ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન ઉડવાની માહિતી મળી હતી. SPGએ સવારે ૫.૩૦ વાગ્યે પોલીસનો સંપર્ક કર્યો હતો જે બાદથી આ મામલે સતત તપાસ ચાલુ છે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદીની સુરક્ષા ખૂબ જ કડક છે. ત્યારે એટલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડ્રોન ક્યાંથી ઉડ્યા તે મોટો સવાલ છે. તેમજ પીએમને મળવા માટે કોઈ અધિકારી હોય છે પછી તેમનો પરિવાર તે બધાને તેમના ઘરે પહોંચવા માટે પણ અનેક સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડે છે. આ પહેલા એપ્રિલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર ડ્રોન જોવાના સમાચાર આવ્યા હતા, ત્યારબાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

Share This Article