પાકિસ્તાન સાથે કોઇ મેચ રમવાની જરૂર નથી : કોંગ્રેસ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : પુલવામા હુમલા બાદ દેશના જુદા જુદા ભાગોમાં એક સુરમાં અવાજ ઉઠી રહ્યો છે કે, પાકિસ્તાન સાથે દરેક પ્રકારના સંબંધોને અંત આણવામાં આવે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ આજે કહ્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતીથી સક્રિય આતંકવાદને ખતમ કરશે નહીં ત્યાં સુધી તેની સાથે કોઇ મેચ રમવી જોઇએ નહીં. મનિષ તિવારીએ કહ્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓના આકાઓ અને તેમના ત્રાસવાદીઓની સામે પાકિસ્તાન કાર્યવાહી કરવાથી રોકવા માટે પગલા લેશે નહીં ત્યા સુધી પાકિસ્તાન સાથે મેચ રમવી જાઇએ નહીં.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી શશી થરુરે આ અંગે જુદી પ્રતિક્રિયા આપી છે. શશી થરુરે એક વિડિયો જારી કરીને કહ્યું છે કે, કારગિલ યુદ્ધ જ્યારે ચરમસીમા પર હતું ત્યારે પણ ભારતે વર્લ્ડકપમાં પાકિસ્તાનની સામે મેચ રમીને તેને હાર આપી હતી. થરુરે કહ્યું હતું કે, મેચ જીતીને બે પોઇન્ટ લેવાની બાબત મહત્વપૂર્ણ નથી પરંતુ મેચ નહીં રમવાની બાબત વધારે નિરાશાજનક રહેશે. કારણ કે આ હાર લડ્યા વગરની રહેશે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વહીવટીકારોની સમિતિએ આજે દિલ્હીમાં બેઠક યોજી હતી. ઇંગ્લેન્ડમાં આ વર્ષે વર્લ્ડકપનું આયોજન થનાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કાર્યક્રમ મુજબ ૧૬મી જૂનના દિવસે માન્ચેસ્ટરમાં મેચ રમાનાર છે. અનેક પુર્વ ખેલાડીઓ બીસીસીઆઈને સલાહ આપી ચુક્યા છે કે, પાકિસ્તાનને ટુર્નામેન્ટમાંથી કાઢી મુકવા આઈસીસી દબાણ લાવે તે જરૂરી છે.

Share This Article