પાકિસ્તાની ખેલાડીઓમાં અસફળતાને લઇ ભય છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

દુબઈઃપાકિસ્તાનના કોચ મિકી આર્થરે એશિયા કપમાં ભારતની સામે નવ વિકેટે હાર ખાધા બાદ કબૂલાત કરી છે કે, હાલમાં તેમની ક્રિકેટ ટીમનો આત્મવિશ્વાસ હચમચી ઉઠ્યો છે. તેમણે કહ્યું છે કે, ભારતની સામે હારનો સૌથી ખરાબ પ્રદર્શન તરીકે ગણાવીને ટીમના ખેલાડીઓને વધુ મહેનત કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

ભારતની પાકિસ્તાન ઉપર સતત બીજી જીત બાદ આર્થરે કહ્યું હતું કે, અમે તેમને બહાર કરી રહ્યા નથી, પરંતુ પાકિસ્તાની ખેલાડી આત્મવિશ્વાસ સંબંધી સંકટનો સામનો કરી રહ્યા છે. ડ્રેસિંગ રુમમાં અસફળતાને લઇને ભયની સ્થિતિ પ્રવર્તી રહી છે. કોચ મિકી આર્થરની સાથે કેપ્ટન સરફરાઝ અને મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ચર્ચા કરતા નજરે પડે છે.

જાણકાર લોકોનું કહેવું છે કે, પાકિસ્તાનના નવા ખેલાડીઓને તક આપવાની માંગ ઉઠી રહી છે. પાકિસ્તાને ભારત સામે ૨૩૮ રનનો નજીવો લક્ષ્ય મુક્યો હતો. ભારતે રોહિત શર્મા અને શિખર ધવનની સદીની મદદથી એક વિકેટ ગુમાવીને ૩૯.૩ ઓવરમાં જ આ ટાર્ગેટને પાર પાડીને જીત મેળવી હતી. આર્થરે કબૂલાત કરતા કહ્યું છે કે, બેટિંગમાં અમારો સ્ટ્રાઇક રેટ ખુબ નબળો દેખાઈ રહ્યો છે. બોલિંગમાં પણ અમને વિકેટ લેવાની જરૂર દેખાઈ રહી છે.

આર્થરે ભારતીય ક્રિકેટ ટીમની પ્રશંસા કરતા કહ્યું છે કે, ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ અપરાજિત રહી છે. પસંદગીકારોનું કહેવું છે કે, અમને ભારતીય ટીમ સામે મુશ્કેલી પડી રહી છે. ટીમમાં અનુભવની કમી દેખાઈ રહી છે. ટીમમાં સરફરાઝ અહેમદ અને મોહમ્મદ આમિરે ૫૦થી વધુ મેચો રમી છે. શોએબ મલિકે ૨૦૦થી વધુ મેચો રમી છે.

આર્થરે કહ્યું હતું કે, ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ  ખુબ જ શિસ્તમાં દેખાઈ રહ્યો છે. મેચ પ્રેક્ટિસવેળા પણ તે શિસ્તમાં દેખાયો હતો. ભારતીય ટીમની સામે પાકિસ્તાનની ટીમ દરેક ક્ષેત્રમાં નબળી દેખાઈ રહી છે. બીજી બાજુ ભારત સામે હાર ખાધા બાદ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝે કહ્યું હતું કે, ભારતીય ટીમમાં સ્કીલ લેવલ ખુબ હાઈ છે. અમે તેમના સ્તર સુધી પહોંચી શક્યા નથી પરંતુ અમે દેખાવ સુધારવાના પ્રયાસ ચોક્કસપણે કરીશું.

સરફરાઝે કહ્યું હતું કે, પાકિસ્તાન સુપર ફોર મેચમાં બાંગ્લાદેશ સામે રમશે જે તેના માટે મહત્વપૂર્ણ રહેશે. તેનું કહેવું હતું કે, પાકિસ્તાનને ૨૦થી ૩૦ રન ઓછા પડ્યા હતા. મુશ્કેલ મેચમાં ખેલાડીઓએ ફિલ્ડિંગ નબળી કરી હતી. રોહિત શર્માને ૧૪ અને ૮૧ રને બે ચાન્સ મળ્યા હતા. સરફરાઝે ભારતીય ક્રિકેટ ટીમની ફિલ્ડિંગ, બેટિંગ અને બોલિંગની પ્રશંસા કરી હતી.

Share This Article