નવીદિલ્હી: ઉત્તરપ્રદેશમાં શેરડીના ખેડૂતોની તકલીફને દૂર કરવા માટે એક પછી એક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ખાંડ ઇન્ડસ્ટ્રી માટે બીજા નાણાંકીય પેકેજની આજે જાહેરાત કરવામાં આવી હતી. ૫૫૦૦ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા પણ શેરડી ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ઉત્તરપ્રદેશમાં આનાથી ફાયદો થઇ શકે છે. જૂન મહિનામાં ૮૫ અબજ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રી સામે જટિલ સમસ્યા થયેલી છે. કારણ કે, ૨૦૧૭-૧૮માં માર્કેટિંગ વર્ષમાં ૩૨ મિલયન ટનનું રેકોર્ડ ખાંડ ઉત્પાદન થયું હતું.
સતત રેકોર્ડ ઉત્પાદનના પરિણામ સ્વરુપે ખાંડ ઇન્ડસ્ટ્રી સામે તકલીફ આવી ગઈ હતી. મંત્રાલય દ્વારા શેરડીના સંદર્ભમાં ખાસ રજૂઆત કરવામાં આવી હતી. મંત્રાલય દ્વારા પાંચ મિલિયન ટન ખાંડની નિકાસ કરવા મિલોને મંજુરી આપવા તૈયારી દર્શાવી છે. સુત્રોએ કહ્યું છે કે, મંત્રાલય દ્વારા બંદરથી ૧૦૦ કિલોમીટરની અંદર સ્થિત મિલો માટે ૧૦૦૦ રૂપિયા પ્રતિ ટનની પરિવહન સબસિડીની વાત કરી હતી જ્યારે દરિયાકાંઠાના રાજ્યોમાં બંદરથી ૧૦૦ કિલોમીટરના અંતર સ્થિત મિલો માટે ૨૫૦૦ રૂપિયા પ્રતિટનની દ્રષ્ટિએ પરિવહન સબસિડીની વાત કરી હતી જ્યારે દરિયાકાંઠાના રાજ્યો કરતા અન્યત્ર સ્થિત મિલો માટે પ્રતિ ટન ૩૦૦૦ રૂપિયાની પરિવહન સબસિડીની દરખાસ્ત રજૂ કરાઈ હતી.
વર્તમાન વર્ષની જેમ જ ઉત્પાદન સહાયતા સીધીરીતે શેરડીના ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે. સરકાર ખાંડ મિલોને મદદ કરવા અને ખેડૂતોને મદદ કરવા વિવિધ પગલા લેવા જઈ રહી છે. આના લીધે સરકાર ઉપર ૪૫ અબજ રૂપિયાનો બોજ આવશે. ભારતમાં ખાંડ ઉત્પાદન આગામી માર્કેટિંગ વર્ષમાં ૩૫ મિલિયન ટન સુધી પહોંચી શકે છે જે વર્ષ ૨૦૧૭-૧૮માં ૩૨ મિલિયન ટન રહ્યું હતું. વાર્ષિક સ્થાનિક માંગ ૨૬ મિલિયન ટનની રહી છે.