ગુજરાતમાં બોર્ડર ટૂરિઝમ સાથે નાગરિકોમાં રાષ્ટ્ર ભક્તિભાવના ઊજાગર કરતા નડાબેટ ખાતે સીમાદર્શન માટે વધુ વિકાસ સુવિધાઓના નિર્માણ હેતુ બીજા તબક્કામાં ૩૯ કરોડ રૂપિયાના પ્રોજેકટને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ પ્રોજેકટ અંતર્ગત નડાબેટ ખાતે એકઝીબીશન હોલ અને અંદાજે પાંચ હજાર વ્યકિતઓ એક સાથે બેસી શકે તેવી ક્ષમતાનું પરેડ ગ્રાઉન્ડ તેમજ T જંકશનથી ઝીરો પોઇન્ટ સુધી માળખાકીય વિકાસ કાર્યો હાથ ધરાશે.
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્યના સીમાદર્શન સહિતના અન્ય પ્રવાસન પ્રોજેકટસના અવલોકન, માર્ગદર્શન માટે યોજાયેલી બેઠકમાં આ સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. નડાબેટ સીમાદર્શનના આ પ્રવાસન પ્રોજેકટમાં હાલ પ્રથમ તબક્કાના રૂ. રર કરોડના વિવિધ માળખાકીય સુવિધા વિકાસના કામો પ્રગતિમાં છે. બોર્ડર ટૂરિઝમના આ ગુજરાત પ્રયોગ પ્રોજેકટમાં ભારત સરકારના ગૃહ મંત્રાલય અને પ્રવાસન મંત્રાલયનો પણ નાણાં સહયોગ મળે તે હેતુથી દરખાસ્ત મોકલવા પણ બેઠકમાં સૂચન કરવામાં આવ્યું હતું.
ર૦૧૬માં ડિસેમ્બરની ર૪ તારીખે બનાસકાંઠાના સૂઇગામ સ્થિત નડાબેટ બોર્ડર ખાતે આ સીમાદર્શન-બોર્ડર ટૂરિઝમનો પ્રારંભ થયો છે, ત્યારથી અત્યાર સુધીમાં ૧ લાખ જેટલા પ્રવાસીઓ-યુવાઓ આ સીમાદર્શન કાર્યક્રમમાં સહભાગી થયા છે.
ગુજરાતની સમુદ્રી સીમા સાથે જમીની સરહદ પણ દુશ્મન સાથે નજદીકથી જોડાયેલી છે અને જો આ સરહદી યુધ્ધ થાય તો બી.એસ.એફ.એ સીધો મુકાબલો દુશ્મન દળોનો કરવો પડે છે. આ સંદર્ભમાં બી.એસ.એફ. જવાનોની દિલેરી-જવામર્દીને સૌ કોઇ જાણે તે હેતુથી ગુજરાતમાં આ સીમા દર્શન વાઘા બોર્ડર પેટર્ન ઉપર શરૂ કરવામાં આવ્યો છે. અહીં આવનાર હરકોઇ રાષ્ટ્રપ્રેમ-દેશદાઝથી તરબતર થઇ જાય તેવું રોમાંચક વાતાવરણ આ સીમાદર્શન કાર્યક્રમની પહેલ પુરી પાડે છે.
બોર્ડર ટુરીઝમનો આ નવતર અભિગમ રાજય-રાષ્ટ્રના લોકોને બોર્ડરને જાણવાનો બોર્ડરને માણવાનો અવસર આપે છે. સરહદ સાચવતા બી.એસ.એફ. જવાનોની જીવનચર્યા-કપરા સંજોગોમાં તેમની વતનરક્ષા પરસ્તીને પણ પ્રત્યક્ષ અનુભવવાનો આ પ્રયોગ ગુજરાતની પ્રવાસન પ્રવૃત્તિને નવી દિશા આપી રહ્યો છે.
સીમાદર્શનના આ બોર્ડર ટૂરિઝમને પરિણામે રણવિસ્તારમાં ઇકોનોમીક એકટીવીટીને પણ નવું બળ મળ્યું છે. આ વિસ્તારમાં પ્રવાસન પ્રેમીઓ આવતા થતાં સ્થાનિક રોજગાર-વ્યવસાય અવસરો ગ્રામીણ યુવાઓ અને પરિવારોને મળતા થતાં આર્થિક આધાર મળ્યો છે.