અમદાવાદઃ શહેર છેવાડે આવેલો ચાંદખેડા વિસ્તારમાં ફરી એકવાર ચોરી ધાડની ઘટના બની છે. સતત બીજા મહિને પથ્થર સાથે આવતી લૂંટારુ ટોળકી પરિવારજનો પર પથ્થરમારો કરી એક લાખ રૂપિયાની મતાની ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સ્થાનિક રહીશોમાં ધાડપાડુ ટોળકીને લઇ ફફડાટની લાગણી ફેલાઇ હતી.
ચાંદખેડા પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ચાંદખેડાના ટીપી-૪૪ રોડ પર શ્રીરંગ સોસાયટી પાસે આવેલા પાઈનેપલ બંગલોઝમાં મિતેશભાઈ પટેલ (ઉ.વ.૪૦) તેમના પરિવાર સાથે રહે છે. મિતેશભાઈ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. રવિવાર રાતે પરિવારજનો સૂઈ ગયા હતા. મોડી રાતે ત્રણેક વાગ્યાની આસપાસ ઘરમાં અવાજ થતાં પરિવારજનો જાગી ગયા હતા. બેડરૂમથી બહાર આવીને જોતાં મોઢે રૂમાલ બાંધેલા ત્રણથી ચાર અજાણ્યા માણસો બહાર ઊભા હતા. મિતેશભાઈએ બુમાબુમ કરતાં તેઓ મકાનમાંથી નીચે ઊતરી ગયા હતા. બધા જાગી અને તેઓને પકડવા જતા તસ્કરોએ તેમની પાસે રહેલા પથ્થરથી પથ્થરમારો કર્યો હતો. પથ્થર મારવાથી મિતેશભાઈના બાજુમાં આવેલા બંગલાની ગેલેરીનો કાચ પણ તૂટી ગયો હતો. તસ્કરો નાસી જતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. ચાંદખેડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘરમાં તપાસ કરતાં તસ્કરો મુખ્ય દરવાજાનું લોક અને સ્ટોપર કોઈ સાધન વડે તોડી અને અંદર પ્રવેશ્યા હતા. મુખ્ય રૂમમાં મૂકેલા પર્સ અને ટેબલ પર પડેલા રોકડ રૂ. છ હજાર, છ તોલાના સોનાના દાગીના અને બીજા રોકડ રૂ. દસ હાજર મળી કુલ રૂ. એક લાખની આસપાસની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. ઘરમાંથી ચોરીના બનાવને લઈ ચાંદખેડા પોલીસે ચોરી અને નુકસાન અંગેનો ગુનો નોંધ્યો છે.
ચાંદખેડા હથિયાર અને પથ્થર સાથે આવતી ટોળકી દ્વારા ઘરમાં ઘૂસી અને ચોરી કે લૂંટફાટનો આ કોઈ નવો બનાવ નથી ગત મહિને પણ ચાંદખેડા ગામની પાછળ આવેલા આમ્રકુંજ બંગલોઝમાં ત્રણ નંબરના બંગલામાં રહેતા અને નિવૃત્ત આર્મીમેન પ્રેમકુમાર અવસ્થીના ઘરે ચડ્ડી બનિયાનધારી ટોળકી આવી હતી. તેમની પત્ની પર દંડા વડે હુમલો કરી અને રૂ. ત્રીસ હજારની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા. પરિવારજનો જાગી જતાં આ ટોળકી હુમલો કરી અને ફરાર થઇ ગઇ હતી.
ડિસેમ્બર ૨૦૧૭માં પણ હથિયારધારી ચોર ટોળકી અરવિંદભાઈ પટેલના બંગલોઝમાં ત્રાટકી હતી અને લાખો રૂપિયાના સોનાના દાગીના અને રોકડ રકમ સહિતની મતાની ચોરી કરી ફરાર થઇ ગઈ હતી. બંગલોઝમાં સેફટી ડોર હોવા છતાં ચોર ટોળકી આ દરવાજાને તોડી અંદર પ્રવેશી ચોરી કરવા સફળ થઇ જાય છે. બંગલોઝમાં બેથી ત્રણ વખત ચોરીના બનાવો બની ચુક્યા હોવા છતાં ફરી ચોરી-લૂંટની ઘટના બનતાં બંગલોઝમાં સિક્યોરિટી પર સવાલ ઊભા થયા છે. ચાંદખેડા પોલીસની વિસ્તારમાં પેટ્રોલિંગ અને કામગીરીની સાવ નબળી હોવાના કારણે ચોર-લૂંટારુ ટોળકી બેફામ બની હોવાની ફરિયાદ સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે.