અમદાવાદ: અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સલાયા-મથુરાની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાં પંચર કરી અન્ય પાઈપલાઈન જોડી ઓઈલ ચોરી કરવાના ચકચારભર્યા કૌભાંડનો અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ પર્દાફાશ કરી નાંખ્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે સમગ્ર કૌભાંડ મામલે સાણંદની સૂરજ મોતી સ્કૂલના આરોપી સંચાલક અમરીશ મહેન્દ્રભાઇ પટેલ સહિત સાત આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડનો પર્દાફાશ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસની તપાસમાં એવી ચોંકાવનારી વાત પણ સામે આવી હતી કે, સાણંદની સૂરજ મોતી સ્કૂલના સંચાલકે સાગરીતો સાથે મળી સ્કૂલ કમ્પાઉન્ડમાં જ પાઈપલાઈન નાખી હતી અને ઓઈલ ચોરી કરતા હતા.
અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે સ્કૂલ સંચાલક સહિત સાત લોકોની ધરપકડ કરી છે. અમદાવાદ જિલ્લામાં સાણંદ અને આસપાસના વિસ્તારમાંથી સલાયા- મથુરાની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈન પસાર થાય છે. બે દિવસ પહેલાં ખેડાના નવાગામ સ્ટેશનના ઇન્ચાર્જ સીમરદીપસિંગ ભલ્લાએ આઈઓસીના ઓપરેશન મેનેજરને જાણ કરી હતી કે સાણંદ વિસ્તારમાં પાઇપલાઇનમાંથી ઓઇલ ચોરી થાય છે, જેથી અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને આઈઓસીના અધિકારીઓએ તપાસ કરતાં સાણંદની સૂરજ મોતી સ્કૂલ નજીક ખેતરમાંથી પસાર થતી પાઇપલાઇનમાં પંચર કરી અને ચોરી કરવામાં આવી છે. જેથી પોલીસ સાથે રાખી તપાસ કરતાં પાઇપલાઇનમાં પંચર પાડવામાં આવ્યું હતું અને વાલ્વ ફિટ કરી અન્ય એક પાઈપલાઈન ફિટ કરી અને તે સૂરજ મોતી સ્કૂલના કમ્પાઉન્ડમાં ફિટ કરવામાં આવી હતી. સ્કૂલ કમ્પાઉન્ડમાંથી અન્ય પાઈપલાઈન મળી આવી હતી.