મુંબઈ : એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને ટાઇગર બેબી સાથે એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહેલી ફિલ્મ સુપરબૉય્સ ઓફ માલેગાંવનું આનંદદાયક અને યાદગાર થિયેટ્રિકલ ટ્રેલર જાહેર કર્યું હતું. એક સત્ય ઘટનાથી પ્રેરિત ફિલ્મ મહારાષ્ટ્રનાં એક નાનાં નગર માલેગાંવ અને નવા ફિલ્મનિર્માતા નાસિર શેખના જીવનની ઘટનાઓને રજૂ કરે છે. તેની વાર્તા નાસિર પોતાના મિત્રો સાથે નગરને પુનઃ ધબકતું કરીને ફિલ્મનિર્માણનું કેન્દ્ર બનાવે છે એના પર આધારિત છે. એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને ટાઇગર બેબીએ બનાવેલી ફિલ્મ સુપરબૉય્સ ઓફ માલેગાંવનું નિર્માણ રિતેશ સિધવાની, ફરહાન અખ્તર, ઝોયા અખ્તર, અને રીમા કાગ્તીએ કર્યું છે. ફિલ્મનું નિર્દેશ રીમા કાગ્તીએ કર્યું છે અને ફિલ્મના લેખક છે વરુણ ગ્રોવર. ફિલ્મમાં અતિ પ્રતિભાશાળી કલાકારોએ ભૂમિકા ભજવી છે, જેમાં આદર્શ ગૌરવ, શશાંક અરોરા, વિનીત કુમાર સિંહ, અનુજ સિંહ દુહાન, સાકિબ અયુબ, પલ્લવ સિંહ, મંજીરી પુપાલા, મુસ્કાન જારી અને રિદ્ધિ કુમાર સામેલ છે. સુપરબૉય્સ ઓફ માલેગાંવ ભારત, અમેરિકા, યુકે, યુએઇ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં 28 ફેબ્રુઆરીના રોજ થિયેટરમાં પ્રદર્શિત થવાની છે.
સુપરબૉય્સ ઓફ માલેગાંવનું ટ્રેલર દર્શકોને સ્વપ્નો, ઇચ્છાશક્તિ અને સિનેમેટિક ચમત્કારની હૃદયસ્પર્શી સફરમાં ખેંચી જાય છે. ફિલ્મ નાસિર શેખનો પરિચય કરાવે છે, જે માલેગાંવ નામના નાનાં નગરમાં એક સ્વપ્ન સેવે છે, જ્યાં ફિલ્મો રોજિંદા જીવનની વિટંબણાઓમાંથી મુક્ત થવાનું માધ્યમ છે. આ ફિલ્મોથી પ્રેરિત થઈને નાસિર માલેગાંવને બોલીવૂડમાં પરિવર્તિત કરવાનો નિર્ધાર કરે છે. તેની પાસે સ્પષ્ટ અને સાહસિક વિચારો, નવીન વિચારસરણી અને ઉત્સાહી મિત્રોનું જૂથ છે. તેઓ ખભેખભો મિલાવીને માલેગાંવમાં બનેલી માલેગાંવના લોકો માટે એક ફિલ્મ બનાવવાનું અભિયાન હાથ ધરે છે. ટ્રેલરમાં પેટ પકડીને હસાવતાં ઓડિશન, ફિલ્મનિર્માણની સરળ ટ્રિક તથા જીવનમાં આવતા પડકારોનો સામનો કરવા દરમિયાન લાગણીઓ અને દ્રઢ સંકલ્પનું તોફાન પ્રસ્તુત થયું છે. સુપરબૉય્સ ઓફ માલેગાંવ મિત્રતા, ઉત્સાહ અને મોટું સ્વપ્ન જોવાની તાકાતની પ્રેરક વાર્તા છે, જે પુરવાર કરે છે કે રચનાત્મકતાને કોઈ મર્યાદા આડે આવતી નથી.
પ્રાઇમ વીડિયો ઇન્ડિયાના ઓરિજિનલ્સના હેડ નિખિલ મધોકે કહ્યું હતું કે, “TIFF અને BFI લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રશંસનીય બનેલી સુપરબૉય્સ ઓફ માલેગાંવ ભારતીય ઓરિજિનલ વાર્તાઓની સર્વવ્યાપક અપીલનું એક શાનદાર ઉદાહરણ છે. ભારત, અમેરિકા, યુકે, યુએઇ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં એની થિયેટ્રિકલ રીલિઝ એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે આ એમેઝોન એમજીએમની પ્રથમ ભારતીય ઓરિજિનલ ફિલ્મ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે સિનેમાગૃહોમાં રીલિઝ થશે. આ રોમાંચક પગલું દુનિયાભરના દર્શકોને બોલ્ડ, વિવિધતાસભર અને વિચારોત્તેજક વાર્તાઓ રજૂ કરવાની અમારી કટિબદ્ધતા દર્શાવે છે. અમે આ અસાધારણ સફરને જીવંત કરવા પોતાના અવિશ્વસનિય સાથીદારો, એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને ટાઇગર બેબીના બહુ આભારી છીએ. અમે આ પ્રેરક વાર્તાને મોટા પડદા પર દર્શકો સમક્ષ રજૂ કરવા આતુર છીએ!”
એક્સેલ એન્ટરટેઇન્મેન્ટના નિર્માતા રિતેશ સિધવાનીએ કહ્યું હતું કે, “સુપરબૉય ઓફ માલેગાંવ સ્વપ્નો અને ફરી ઊભા થવાની ઇચ્છાશક્તિની ઉજવણી છે – આ એવી સર્વવ્યાપક લાગણી છે, જેની સાથે દરેક જોડાઈ શકે છે. અમે આ પ્રેરક વાર્તાને સિનેમાગૃહોમાં રજૂ કરવા એમેઝોન એમજીએમ સ્ટુડિયો સાથે જોડાણ કરીને ઉત્સાહિત છીએ. અમને આશા છે કે, આ ફિલ્મ દર્શકોને અતિ પ્રભાવિત કરશે અને લાખો લોકોના હૃદયને સ્પર્શી જશે. આ વાર્તા આશા, રચનાત્મકતા અને માનવીય લાગણીઓની અસીમ તાકાતની એક શક્તિશાળી યાદ અપાવે છે.”
એક્સેલ એન્ટરટેઇન્મેન્ટના નિર્માતા ફરહાન અખ્તરે કહ્યું હતું કે, “ફિલ્મનિર્માતાઓ તરીકે અમારો ઉદ્દેશ હમેશાં રચનાત્મક ફિલ્મો બનાવવાનો રહ્યો છે, જે ભારતમાં દર્શકોની સાથે દુનિયાભરના લોકોને સ્પર્શે. સુપરબૉય્સ ઓફ માલેગાંવ એક હૃદયસ્પર્શી વાર્તા છે. ફિલ્મ દર્શાવે છે કે જો તમે તમારું સ્વપ્ન સાકાર કરવા પર્યાપ્ત મહેનત કરો, તો કોઈ સ્વપ્ન મોટું નથી. અમે જીવનના આ અસાધારણ પ્રોજેક્ટને પ્રસ્તુત કરવા એમેઝોન એમજીએમ સ્ટુડિયો સાથે જોડાણ કરીને રોમાંચની લાગણી અનુભવીએ છીએ. આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવો અને આગામી થિયેટ્રિકલ રીલિઝ સુધીની સફરમાં સુપરબૉય્સ ઓફ માલેગાંવ દુનિયાભરના લોકોને એકતાંતણે બાંધવા વાર્તાકથનની તાકાતને દર્શાવે છે.”
ટાઇગર બેબીના નિર્માતા ઝોયા અખ્તરે જણાવ્યું હતું કે, હું એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને એમેઝોન એમજીએમ સ્ટુડિયો સાથે આ પ્રેરક જીવનકથા પ્રસ્તુત કરવા રોમાંચ અનુભવું છે – આ ફિલ્મની વાર્તા કોઈ પણ સ્થિતિસંજોગોમાં રચનાત્મક કળાનું સર્જન કરવાની માનવીય જરૂરિયાતને દર્શાવે છે. વળી સુપરબૉય્સને વિવિધ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં જે પ્રેમ મળ્યો એનાથી એ લાગણી કેવી રીતે સર્વવ્યાપક છે એનો જ પુનરોચ્ચાર કરે છે.
ટાઇગર બેબીના નિર્માતા-નિર્દેશક રીમા કાગ્તીએ કહ્યું હતું કે, “સુપરબૉય્સ ઓફ માલેગાંવની વાર્તા વંચિતોની શક્તિ અને સિનેમાના ચમત્કાર વિશે છે. આ ફિલ્મ માલેગાંવ ફિલ્મનિર્માણની શરૂઆતની સાથે સ્વપ્નો, યુવા ફિલ્મ નિર્માતાઓ અને તેમના શહેર વિશે જણાવે છે. અમે આ અનોખી વાર્તાને મોટા પડદાં પર લાવવા આતુર છીએ. આ એ લોકોની અવિશ્વસનિય સફરથી પ્રેરિત છે, જેમણે મર્યાદિત સંસાધનો, પરંતુ અનંત સ્વપ્નો અને દ્રઢ સંકલ્પો સાથે ચમત્કાર કર્યો છે.”
સુપરબૉય્સ ઓફ માલેગાંવને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી છે, કળાપ્રેમીઓનાં હૃદય જીતી લીધા છે અને વિવિધ વર્ગો પ્રશંસા કરી રહ્યાં છે. સપ્ટેમ્બર, 2024માં ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF)માં તેના વર્લ્ડ પ્રીમિયર દરમિયાન દર્શકોથી ખચોખચ ભરેલા ઓડિટોરિયમમાં તેને સ્ટેન્ડિંગ ઓવેશન (દર્શકોનું ઊભા થઈને બિરદાવવું) મળ્યું હતું, જે ફિલ્મની સંવેદનશીલતાની અસર દર્શાવે છે. ફિલ્મે 68મા BFI લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શકોને જકડી રાખ્યાં હતાં અને ચોથા રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં અમિટ છાપ છોડી હતી. તાજેતરમાં ફિલ્મને 36મા પામ સ્પ્રિંગ્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી અને યંગ સેનેએસ્ટે સેગમેન્ટમાં વિશેષ ઉલ્લેખ થયો હતો. પોતાની રસપ્રદ કથા, ઊંડી લાગણી અને અસરકારક વાર્તાકથન સાથે આ કોમેડી-ડ્રામાએ પ્રશંસકો અને વિવેચકો પર એકસમાન રીતે અમિટ અસર છોડી છે.