થિએટરમાં જઈને ફિલ્મ જોવાનો અનુભવ મજેદાર છે, પરંતુ અંધારાથી ભરેલા હોલમાં પણ તમારી દરેક હરકતો રેકોર્ડ થતી રહે છે. આજકાલ મોટાભાગના મેલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિએટરોમાં નાઇટ વિઝન કેમેરા લાગેલા હોય છે, જે અંધારામાં પણ સ્પષ્ટ રેકોર્ડિંગ કરી શકે છે. આ કેમેરા માત્ર સિક્યોરિટી માટે જ નહીં, પરંતુ પાયરેસી રોકવા અને ઓડિયન્સની પ્રવૃતિઓ પર નજર રાખવા માટે પણ લગાવવામાં આવે છે. ઘણીવાર લોકો વિચારે છે કે, લાઇટો બંધ થયા પછી તેને કોઈ નથી જોઈ રહ્યું, પરંતુ હકીકત એ છે કે થિએટરના દરેક ખૂણે નજર રાખવામાં આવતી હોય છે. જો તમે કંઇપણ ખોટું કર્યું તો પકડાઈ શકો છો, એટલું જ નહીં, થિએટર મેનેજમેન્ટ કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે. આવો જાણીએ એ સાત વસ્તુ જે તમારે થિએટરમાં ક્યારેય કરવી જોઈએ નહીં.
સિનેમાઘરમાં ક્યારેય ન કરવી જોઈએ એવી ભૂલો
1. મોબાઇલ અથવા કેમેરાથી સ્ક્રીન રેકોર્ડિંગ કરવી
ફિલ્મ જોતી વખતે મોબાઇલ કે વીડિયો કેમેરાથી સ્ક્રીન રેકોર્ડ કરવી સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. કારણ કે આ પાયરેસીના અંતર્ગત આવે છે અને તેના માટે તમારી સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. કાયદા મુજબ આવું કરવાથી સિનેમેટોગ્રાફ એક્ટ હેઠળ તમને 3 વર્ષ સુધીની જેલ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.
2. જોરજોરથી બોલવું અથવા કોલ પર વાત કરવી
ફિલ્મ ચાલતી હોય અને તમે સતત જોરથી ફોન પર કે તમારા સાથી સાથે વાત કરો તો તે માત્ર અન્ય દર્શકોનો અનુભવ ખરાબ કરતું નથી, પરંતુ સિનેમાઘરના નિયમોનું પણ સ્પષ્ટ ઉલ્લંઘન છે. થિયેટર મેનેજમેન્ટ ઇચ્છે તો આ બાબતે કાયદેસર કાર્યવાહી કરી શકે છે. તમે કદાચ ધ્યાન આપ્યું હશે કે કેમેરામાં બધું જ દેખાતું હોય છે અને સ્ટાફ અચાનક ચાલતી ફિલ્મ દરમિયાન કોઈને ટોકવા આવી જાય છે.
3. ફિલ્મ જોતી વખતે આગળની સીટ પર પગ મૂકવો
ઘણા લોકોની આદત હોય છે કે તેઓ આગળની સીટને ફૂટરેસ્ટ તરીકે ઉપયોગ કરે છે. ઘરમાં આવું કરવું તમારી આદત હોઈ શકે છે, પરંતુ થિયેટરમાં આવું કરવું તમને ભારે પડી શકે છે. PVR અને Cinepolis જેવા મલ્ટીપ્લેક્સ આવું કરવા પર કડક કાર્યવાહી કરે છે અને થિયેટરની સંપત્તિ ગંદી કરવી તથા ખરાબ વર્તન બદલ તમને તે થિયેટરમાંથી હંમેશા માટે બ્લેકલિસ્ટ પણ કરી શકે છે.
4. ખાવાની વસ્તુઓ ફેંકવી અથવા ગંદકી ફેલાવવી
થિયેટરમાં પોપકોર્ન, કોલ્ડ ડ્રિંકના કપ અથવા રેપર સીટની નીચે કે ફ્લોર પર અહીં-ત્યાં ફેંકી દેવી ખૂબ ખરાબ આદત છે. કેટલાક લોકો થિયેટરમાં અયોગ્ય રીતે વર્તે છે, જેના પરિણામો અન્ય દર્શકો ઉપરાંત થિયેટર માલિકોને પણ સહન કરવા પડે છે. કારણ કે આ પણ થિયેટરના નિયમો વિરુદ્ધ છે, આવા સમયે કેમેરામાં તમારી હરકત કેદ થવાથી તમારી સામે કડક કાર્યવાહી થઈ શકે છે.
5. ઇન્ટરવલ કે મૂવી શરૂ થયા બાદ મોડું આવવું
ફિલ્મ જોવા માટે થિયેટર પહોંચવામાં મોડું થવું સામાન્ય બાબત છે. આમ થાય ત્યારે મોટા ભાગે લોકો શાંતિથી આવી પોતાની સીટ પર બેસી જાય છે, પરંતુ કેટલાક લોકો એવું ઇચ્છે છે કે તેમના મોડા આવવાની સજા સમયસર આવી ફિલ્મનો આનંદ માણનારા લોકો પણ ભોગવે. બીજાનો અનુભવ ખરાબ કરવો કોઈપણ રીતે યોગ્ય નથી.
6. અંધારાનો લાભ લઈ અશ્લીલ હરકતો કરવી
થિયેટરમાં કેટલાક લોકો અંધારાનો લાભ લઈ અશ્લીલ હરકતો કરે છે. અંધારાનો ફાયદો ઉઠાવી છેડછાડ કરવી કે રોમાન્સની હદ પાર કરવી તમને ભારે પડી શકે છે. કારણ કે એક તો કેમેરામાં હંમેશા કોઈ તમને જોઈ રહ્યું હોય છે, અને બીજું, થિયેટર મેનેજમેન્ટ આવી હરકતો બદલ તમારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી શકે છે, જેના બાદ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. કારણ કે થિયેટર જાહેર સ્થળ છે, તેથી આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે.
7. સીટ પર ઊભા થવું અથવા સ્ક્રીન સામે આવવું
ફિલ્મ જોતી વખતે ઉત્સાહમાં આવી સીટ પર ઊભા થઈ જવું અથવા વારંવાર સ્ક્રીન સામે આવી અન્ય દર્શકોનો અનુભવ ખરાબ કરવો પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. પાછળ બેસેલા દર્શકની ફરિયાદ પર સિનેમાઘર તમારા વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. કારણ કે એક તરફ આ થિયેટરની મોંઘી સીટોને નુકસાન પહોંચાડવાનો મામલો છે અને બીજી તરફ બીજાનો અનુભવ ખરાબ થતો હોય છે.
