છેલ્લા બે વર્ષથી મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓના ઇન્ટરનેટ દરમાં ભારે ઘટાડાના કારણે લોકોમાં મોબાઈલ ફોન દ્વારા વીડિયો જોવાનું ચલણ ખૂબ જ વધ્યું છે. લોકો પોતાના સ્માર્ટ ફોનમાં જ હવે લાઈવ ચેનલ કે પછી વિવિધ એપ્લિકેશન જેવી કે વૂટ, એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ, હોટસ્ટાર, ટી.વી.એફ., એલ.ટી. બાલાજી, જીઓ સિનેમા વગેરે એપ્લિકેશન દ્વારા વીડિયો જોવા જુએ છે, પરંતુ આ બધામાં કરોડો વિડીયો ધરાવતું યુ ટ્યૂબ વધારે પ્રચલિત છે.
યુ ટ્યુબ પર વિવિધ વ્યક્તિઓને પોતાના શોખ અનુસાર અને વિવિધ માહિતીઓ મેળવવાના વિડીયો સરળતાથી મળી જાય છે. તેમાં વિવિધ વેબ સિરીઝ, અનેક વ્યક્તિઓ દ્વારા ચાલુ કરેલ ચેનલ વગેરે સુવિધા યુ ટ્યૂબ પર ખુલ્લું સ્ટેજ હોવાના લીધે મળી રહે છે. કિન્તુ હવે યુ ટ્યુબ પર એવી ચેનલ દ્વારા ચેનલ ધારકો દર્શકો પાસેથી રુપિયા પણ વસૂલી શકશે તેવી સુવિધા ગુગલ દ્વારા ઉભી કરવામાં આવી છે. યુ ટ્યૂબ પર અગર વ્યક્તિ કોઈ ચેનલ માં સબસ્ક્રાઈબર હશે તો એને પોતાની પસંદગીની ચેનલ જોવા કે એના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબરને રૂપિયા પણ ચૂકવવા પડશે. જોકે જેઓના 1 લાખ કે એથી વધુ સબસ્ક્રાઈબર હશે તેઓને જ આ પેઈડ સર્વિસ ચાલુ કરવાનો અધિકાર મળશે. ઉપરાંત ગૂગલે વધુમાં જણાવ્યું કે વીડિયો બનાવનાર શર્ટ અથવા ફોનના કવર જેવી વસ્તુઓ પણ વહેંચી શકશે. ઉલ્લેખનીય છે કે યુ ટ્યુબ પાર જાહેરાત દ્વારા કમાણી થતી હતી હવે કમાણી માટે આ બીજો વિકલ્પ ઉભો કરવામાં આવી રહ્યો છે.