પરિવારોના સ્વમાન જાળવણી માટે એમની ઓળખ છુપી રાખવામાં આવેલ છે.

અમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સામાજિક કાર્યો કરતા યુવાઓના એક ગ્રુપે દિવાળીની ખરા અર્થમાં ઉજવણી કરી છે. આ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ Food For All દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે 50 જેટલા જરૂરિયાતમંદ પરિવારોમાં રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.

કરિયાણાની 13 જેટલી વસ્તુઓ ધરાવતી આ રાશન કિટનું શહેરના બાપુનગર, નારોલ, વસ્ત્રાલ, મણિનગર સહિતના વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોમાં પ્રોજેકટ Food For All અંતર્ગત વિતરણ કરવામાં આવ્યું હતુ. આ સમગ્ર પ્રોજેક્ટ માટે કરણ પટેલ અને સંજય પટેલે કોઓર્ડિનેટર તરીકેની ભૂમિકા સફળત્તમ રીતે નિભાવી હતી.

દિવાળીના તહેવારો પોતાની સાથે અનેક આનંદ અને ઉત્સાહ લઇને આવે છે. દિપોત્સવ દરમિયાન લોકોના ઘર રોશનીથી ઝળહળતા જોવા મળે છે.

દરેકના ચહેરા પર સ્મિત અને ઉલ્લાસ જોવા મળતો હોય છે, પરંતુ એવા કેટલાંય પરિવારો હોય છે, જેઓ દિવાળીના તહેવારો ટૂંકી આવકના કારણે ઉજવી શકતા નથી. ત્યારે આવા પરિવારોમાં પણ દિવાળીની ઉજવણી સાર્થક બની રહે તે હેતુ સાથે પ્રોજેક્ટ Food For All નું આયોજન કરવામાં આવ્યું હતુ.

