અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો યથાવત્ છે. ગઇકાલે મોડી રાતે નિકોલ વિસ્તારમાં બબાલ કરતા બે નેપાળી યુવકોને ઠપકો આપવા માટે ગયેલા ત્રણ યુવકો પૈકી બે યુવકો પર છરી વડે જીવલેણ હુમલો કરાતાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. નાસ્તો કરીને ત્રણેય યુવકો ઘરે જતા હતા ત્યારે આ ઘટના બની હતી. નેપાળી યુવકોએ બે યુવકો પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં એક ઇજાગ્રસ્ત થયો હતો અને બીજો મોતને ભેટ્યો હતો. આમ, જાહેરમાં ઝઘડતા બે નેપાળી યુવકોને છોડાવવા વચ્ચે પડેલા યુવકની જ હત્યા થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
નિકોલ વિસ્તારમાં આવેલ કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા ૧૮ વર્ષીય જય અરવિંદભાઇ પટેલે નિકોલ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા નેપાળી યુવકો વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે. ગઇકાલે મોડી રાતે જય તેની પાડોશમાં રહેતા મિત્ર ભાવિન દેસાઇ અને ધાર્મિક પટેલ સાથે બુલેટ અને બાઇક લઇને નિકોલ નજીક આવેલા એસપીરીંગ રોડ પર ઇંડાની લારી પર નાસ્તો કરવા માટે ગયા હતા.
નાસ્તો કરીને ત્રણેય જણા ઘરે આવતા હતા, જેમાં ભાવિનના બુલેટ પર જય બેઠો હતો અને ધાર્મિક સ્પ્લેન્ડર ચલાવતો હતો. ત્રણેય જણા થોડેક દૂર પહોંચ્યા ત્યારે નિકોલ પોલીસ સ્ટેશનથી અંદાજિત અડધા કિલોમીટર દૂર આવેલ હિંદવા કોમ્પ્લેક્સ નજીક બે નેપાળી યુવકો એકબીજા સાથે બબાલ કરતા હતા અને ગાળો બોલતા હતા. બન્ને નેપાળી યુવકોને બબાલ કરતા જોઇને ધાર્મિકે પોતાનું સ્પ્લેન્ડર સાઇડમાં ઊભું રાખ્યું હતું. ત્યારબાદ ભાવિને પણ પોતાનું બુલેટ સાઇડમાં ઊભું રાખ્યું હતું. બન્ને વચ્ચેની બબાલ શાંત કરવા માટે ધાર્મિક અને ભાવિન તેમની પાસે ગયા હતા અને બન્ને જણાને ઠપકો આપ્યો હતો. નેપાળી યુવકોને શાંતિથી સમજાવ્યા બાદ ઠપકો આપતાં મામલો બીચક્યો હતો. બન્ને નેપાળી યુવકો ધાર્મિક અને ભાવિનને બીભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. ભાવિન અને ધાર્મિકે ગાળો બોલવાની ના પાડતાં યુવકો વધુ ઉશ્કેરાયા હતા અને મારામારી શરૂ કરી દીધી હતી. બે યુવકો પૈકી એક યુવકે તેની પાસે રહેલું ચપ્પુ કાઢ્યું હતું અને ભાવિન તેમજ ધાર્મિક પર હુલાવી દીધું હતું. ભાવિનના છાતીના ભાગમાં ચપ્પુ વાગ્યું હતું, જ્યારે ધાર્મિકને પગ પર ચપ્પુ વાગ્યું હતું. ભાવિન અને ધાર્મિક પર હુમલો થતાં જયે બૂમાબૂમ કરી હતી, જેના કારણે લોકો ભેગા થઇ ગયા હતા. નેપાળી યુવકો ભાવિન અને ધાર્મિક પર હુમલો કરીને નાસી છૂટ્યા હતા.
ઇજાગ્રસ્ત બન્ને મિત્રોને સારવાર માટે ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ ભાવિનનું મોત થયું હતું, જ્યારે ધાર્મિક હાલ સારવાર હેઠળ છે. ભાવિનનું મોત થતાં તેમનાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો અને સીધા તે હોસ્પિટલમાં દોડી આવ્યાં હતાં જ્યારે ધાર્મિકનાં પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ નિકોલ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે બે નેપાળી યુવકો વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે, જ્યારે ભાવિનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. બે અજાણ્યા નેપાળી યુવકો કોણ છે અને તે ક્યાં રહે છે તે શોધવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરવા ચક્રો ગતિમાન કર્યાં છે.