દેશમાં સારા કામ કરવા માટે કોઇને બદનામ કરવાની કોઇ જરૂર નથી. પોત પોતાના સ્તર પર જન કલ્યાણના કામોને નવી ઉંચાઇ પર લઇ જઇ શકાય છે. આજે દેશના અનેક ભાગોમાં યુવા નેતાઓ આગળ આવી રહ્યા છે. આ યુવા નેતાઓ પાસે દેશના યુવા વર્ગને દિશા બતાવવા માટેની સારી તક રહેલી છે. પરંતુ આ યુવા નેતાઓ દેશના લોકોને યોગ્ય માર્ગ પર મુકી શકે છે. પાટીદાર સમુદાયના લોકોને અનામત આપવાના મક્કમ ઇરાદા સાથે આગળ વધેલા અને ગુજરાતની સાથે સાથે દેશમાં લોકપ્રિયતા મેળવી લેનાર હાર્દિક પટેલનો અવાજ આજે સંભળાય છે. આવી સ્થિતીમાં યુવા વર્ગના લોકો તેની પાસેથી કેટલાક દાખલા બેસે તેવા કામની અપેક્ષા રાખે છે. કોઇ પણ ઇરાદા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવે તેને લઇને કોઇ વાંધો નથી પરંતુ જા જન કલ્યાણના મુદ્દાઓને વધારે સારી રીતે ચગાવવામાં આવે તો તેનાથી વધારે લોકપ્રિયતા મળી શકે છે. કેટલાક એવા મુદ્દા છે જે રાજકીય નથી. જેને રાજકીય સ્તર સાથે કોઇ લેવા દેવા નથી. આ મુદ્દા પર તે આગળ વધીને સરકારની આંખ ખોલી શકે છે.
દેશ બચાવો અને બંધારણ બચાવો જેવા કાર્યક્રમ નેતાઓ કરે તેમાં વાધો નથી પરંતુ લોકપ્રિય યુવા નેતાઓ હાર્દિક, જિગ્નેશ મેવાણી અને કન્યહૈયા જેવા લીડરો જે કામ સરકાર કરી શકી નથી તે મુદ્દા પર પ્રકાશ ફેંકીને આગળ વધે તે વધારે ઉપયોગી છે. આજે સ્વચ્છતા અભિયાન કોઇ રાજકીય પક્ષ સાથે સંબંધિત નથી. આ કાર્યક્રમને વધારે તાકાત સાથે યુવા નેતાઓ ઉઠાવી શકે છે. જ્યાં સરકારની નબળાઇ આ અભિયાનમાં દેખાય તે મુદ્દે રજૂઆત દેખાવો સાથે કરી શકાય છે.
ખેડુતોના મુદ્દાને પણ વધારે સારી રીતે રજૂ કરી શકાય છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં મુળભુત સુવિધાના મામલે જારદાર આક્રમક ઝુંબેશ હાથ ધરીને સરકારની આંખ ખોલવાનુ કામ કરે શકે છે. આ તમામ મુદ્દાઓના કારણે લોકોને જરૂરી સુવિધાના લાભ મળી શકે છે. દેશમાં કોઇ પણ પાર્ટીની સરકાર હોય દેશની સામે ક્યારેય કોઇ ખતરો રહ્યો નથી. બંધારણનુ સન્માન કરવના માટે કોર્ટ છે. સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ તંત્ર છે. ઉશ્કેરણીજનક નિવેદનબાજીથી લોકપ્રિયતા મેળવી શકાય છે પરંતુ પ્રજાહિતના કામો ક્યારેય થઇ શકતી નથી. પ્રજાહિતના શ્રેણીબદ્ધ કામો છે જે કામો કરીને પણ અભુતપૂર્વ લોકપ્રિયતતા મેળવી શકાય છે.