દુનિયાની બીજા નંબરની મોટી સરદાર પ્રતિમા અમદાવાદમાં

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આકાર લઈ રહેલા સરદારધામ ખાતે ૫૦ ફૂટ ઉંચી અને ૧૭૦૦૦ કિલોગ્રામ વજન ધરાવતી બ્રોન્ઝ મેટલની સરદાર પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. જે ગઇકાલે નોઈડાથી વિશેષ વાહન દ્વારા અમદાવાદ ખાતે લાવવામાં આવી હતી. આ પ્રતિમા વિશ્વવિખ્યાત શિલ્પકાર પદ્મ વિભૂષણ રામ સુથાર દ્વારા તૈયાર કરવામાં આવી છે કે જેમના દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટિ સહિત વિશ્વમાં સૌથી વધારે પ્રતિમાઓ બનાવવામાં આવી છે. આ પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ તા. ૩ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની સાથે સાથે પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૮માં પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમીટની સફળતા બાદ આ વખતે આગામી તા.૩થી પ જાન્યુઆરી, ૨૦૨૦ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ખાતે ગત વખત કરતાં સાત ગણી મોટી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્‌ઘાટન પ્રસંગ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જો કે તેમના સમય અને કાર્યક્રમોમાંથી સમયને અનુરૂપ તેમની હાજરીની અપેક્ષા છે. અલબત્ત, આ પાટીદાર ગ્લોબલ સમીટમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવો પણ ખાસ હાજર રહેશે. આગામી તા.૩થી પમી જાન્યુઆરી, ૨૦૨૦ દરમ્યાન ગાંધીનગર હેલીપેડ ખાતે આ સમીટમાં આશરે એક લાખ ચો.મી જગ્યામાં ૧૪ વિશાળ ડોમમાં જુદા જુદા સેકટરના પ્રદર્શનને રજૂ કરવામાં આવશે એમ અત્રે સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયા અને મહામંત્રી જશવંત પટેલે જણાવ્યું હતું.

Share This Article