વિશ્વ બેંકની ટીમ બુધવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી હતી. વિશ્વ બેંકના સભ્યોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ છેલ્લા ૬ વર્ષમાં ઉત્તર પ્રદેશને માળખાકીય વિકાસ, ઔદ્યોગિકીકરણ, કચરાના નિકાલ, ગરીબી નાબૂદી, આયોજનબદ્ધ શહેરીકરણ, પર્યાવરણ સંરક્ષણ વગેરે ક્ષેત્રોમાં નવો ચહેરો આપવામાં આવ્યો છે. રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોની પ્રશંસા કરતા વિશ્વ બેંકના કાર્યકારી નિર્દેશક પરમેશ્વરન અય્યરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ માટે અભિનંદન પાઠવ્યા હતા. મહારાષ્ટ્ર અને ગુજરાત બાદ વિશ્વ બેંકનું પ્રતિનિધિમંડળ ઉત્તર પ્રદેશમાં આવ્યું છે. આ પ્રતિનિધિમંડળમાં ૧૦૦ શક્તિશાળી દેશોનું પ્રતિનિધિત્વ કરનારા લોકો છે. વિશ્વ બેંકના કાર્યકારી નિર્દેશક પરમેશ્વરન અય્યરે કહ્યું કે દેશમાં છેલ્લા ૯ વર્ષમાં અને ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૬ વર્ષમાં ઘણું સારું કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે વિશ્વ બેંકનું મિશન હંમેશા ગરીબી નાબૂદીનું રહ્યું છે, પરંતુ હવે અમે પર્યાવરણને પ્રોત્સાહન આપવા પર પણ વિશેષ ભાર આપી રહ્યા છીએ. ઉત્તર પ્રદેશ આ દિશામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આયોજિત પ્રયાસોને કારણે આજે ઉત્તર પ્રદેશ બિમારુ રાજ્યની શ્રેણીમાંથી બહાર આવી ગયું છે અને દેશની અગ્રણી અર્થવ્યવસ્થા બની ગયું છે, છ વર્ષમાં ઉત્તર પ્રદેશ ૫.૫ કરોડની વસ્તીને ગરીબી રેખામાંથી બહાર લાવવામાં સફળ રહ્યું છે. સરકાર યુપીને નિકાસનું હબ બનાવી રહી છે. દરમિયાન, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશે ગયા ફેબ્રુઆરીમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૨૩નું આયોજન કર્યું હતું, જેમાં યુપીને ૩૬ લાખ કરોડથી વધુના રોકાણની દરખાસ્તો મળી હતી, રોકાણની દરખાસ્તો થોડા મહિનામાં જમીન પર મૂકવામાં આવશે. આ માટે અમે શિલાન્યાસ સમારોહનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ જ્યારે દેશ ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશે પણ રાજ્યની અર્થવ્યવસ્થાને $૧ ટ્રિલિયન બનાવવા માટે ભૂમિકા નક્કી કરવાનો ર્નિણય લીધો છે.