ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણમાં રહેતી પરિણીતાના પતિ અને તેની પ્રેમિકા દ્વારા ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવીને બાળકો તેમજ સાસુના ઓમ શાંતિ લખેલા ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા. વિડીયોકોલ ઉપર ધમકી પણ આપવામાં આવી હતી. આખરે ઈન્ફોસીટી પોલીસ મથકમાં આ બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હાલમાં સમાજમાં પતિ પત્ની ઔર વોના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણમાં રહેતી મહિલા સાથે બનવા પામી છે. તેણીએ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, 11 વર્ષ અગાઉ તેના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ મોટેરા ખાતે રહેતા યુવાન સાથે થયા હતા અને આ લગ્નજીવનથી તેણે બે બાળકોને પણ જન્મ આપ્યો હતો ત્યારે તેના પતિનો સોશિયલ મીડિયા થકી સિદ્ધપુર પાટણ ખાતે રહેતી યુવતી સાથે સંપર્ક થયો હતો અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થઈ જતા ઘરમાં કકળાટ શરૂ થયો હતો જેના કારણે ચાર વર્ષ અગાઉ તે તેણી અને બાળકોને તરછોડીને જતો રહ્યો હતો. જેથી આ પરણીતા પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. પતિએ છૂટાછેડાના કાગળો પણ મોકલી આપ્યા હતા પરંતુ સમાજ રાહે સમાધાનના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. દરમિયાનમાં ગત જાન્યુઆરી મહિનામાં આ પરણીતાના તેના જ નામના ફેસબુક એકાઉન્ટ ઉપરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી અને તેમાં બંને બાળકોના ફોટા ઉપર ઓમ શાંતિ લખેલું હતું. જેથી તેણીએ મેસેજ કરતા સામેથી ગાળો તેમજ તું મરી જાય તો બધાને શાંતિ થાય તેવું લખેલા મેસેજ આવ્યા હતા. ત્યારબાદ પતિએ પ્રેમિકા સાથે મળીને વિડીયો કોલ કરી ધમકીઓ આપી હતી. આ મામલે સાયબર ક્રાઈમમાં પરણીતાએ અરજી આપ્યા બાદ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બંને સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.