શિવસેનાના બળવાખોર જૂથની પાસે બે તૃતિયાંશ ધારાસભ્યોનું સમર્થન હોવાના દાવા બાદ પણ ભાજપ ખુલીને સામે આવી રહ્યું નથી. તેના અન્ય કારણો પણ છે. સૂત્રો અનુસાર ભાજપ ઈચ્છે છે કે પહેલા બળવાખોર જૂથને વિધાનસભામાં માન્યતા મળે કે પછી ધારાસભ્ય દળ અને સાંસદોની સાથે સંગઠન સ્તર પર પણ શિવસેનાનું વિભાજન થાય. આવી સ્થિતિમાં બળવાખોર ધારાસભ્યોનું સભ્ય પદ તો યથાવત રહેશે સાથે ભાજપની સાથે વિલયથી પણ બચી શકાશે. આ વચ્ચે બધાની નજર એનસીપી નેતા શરદ પવારના ભાવી વલણ પર છે કે તે મહા વિકાસ અઘાડી સરકારને બચાવવા માટે કોઈ પ્રયાસ કરે છે કે શિવસેનાને તેની સ્થિતિ પર છોડી દેવા ઈચ્છે છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા બોલાવવામાં આવેલી વિભિન્ન બેઠકોથી આશા કરતા ઓછા નેતા પહોંચવાથી પણ શિવસેનાનું સંકટ વધ્યું છે. તો બળવાખોરો પણ ધીમે-ધીમે પોતાના પગલા ભરી રહ્યાં છે.
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની વડોદરામાં શુક્રવાર-શનિવારની રાત્રે મુલાકાતની વાતો હજુ સ્પષ્ટ રીતે સામે આવી નથી. મુંબઈ, વડોદરા અને ગુવાહાટી વચ્ચે જે કંઈ થયું તે રાજ્યમાં ભાવી સરકાર બનાવવાની દિશામાં એક મોટી કવાયત છે. માનવામાં આવી રહ્યું છે કે એક-બે દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. બળવાખોર દ્વારા વિધાનસભા ઉપાધ્યક્ષથી લઈને રાજભવન સુધી અસલી શિવસેના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ભાજપ નેતૃત્વ આ મામલામાં કોઈ ઉતાવળ કરવા ઈચ્છતું નથી અને તે શિવસેનામાં ભંગાણ થયા બાદ પોતાની રણનીતિનો ખુલાસો કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં હવે મહા વિકાસ અઘાડી સરકારને ચલાવવી સહેલી નથી અને ભાજપ ધીમે-ધીમે સત્તાના દરવાજા સુધી પહોંચી રહ્યું છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના આંતરિક સંકટ નવું રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. જ્યાં શિવસેના સરકારથી વધુ પોતાની પાર્ટી બચાવવામાં લાગી છે, તો ભાજપની સક્રિયતા પણ હવે નવી સરકાર બનાવવા માટે દેખાવા લાગી છે. આ વચ્ચે શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મુલાકાતના સમાચાર પણ આવ્યા, પરંતુ ભાજપે આ તમામ મુદ્દે હજુ પોતાનું મૌન તોડ્યું નથી.