આ મહિલાએ પતિનો જીવ બચાવતો વીડીયો સોશિયલ મીડિયા થઈ રહ્યો છે વાયરલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મથુરા રેલવે સ્ટેશન પર એક મહિલા પતિને સીપીઆર (મોઢેથી શ્વાસ) આપીને મોતના મોઢામાંથી બહાર લાવી. વાત જાણે એમ છે કે ૬૭ વર્ષના કેશવનને હાર્ટ એટેક આવ્યો. તબિયત બગડતી જોઈને મુસાફરને મથુરા રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવ્યો અને રેલવે પોલીસને તેની જાણ કરાઈ. ઘટનાસ્થળે પહોંચેલા આરપીએફના જવાનોએ જોયું કે મુસાફરના શ્વાસ ધીમા પડવા લાગ્યા છે. જેથી એક જવાને મહિલાને કહ્યું કે તે તેમના પતિને સીપીઆર એટલે કે મોઢેથી શ્વાસ આપે. આ સાથે જ આરપીએફના બે જવાનોએ મુસાફરની હથેળી ઘસી અને હાર્ટમાં પમ્પિંગ કર્યું. જેના કારણે મુસાફરનો જીવ બચી ગયો. જિંદગી અને મોત વચ્ચે ચાલેલી આ  જંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ કોઈમ્બતુર એક્સપ્રેસથી કેશવન તેમના પત્ની દયાબેન સાથે દિલ્હીથી કોઝિકોડ જઈ રહ્યા હતા.

ચાલુ ટ્રેનમાં તબિયત અચાનક બગડી ગઈ. જેવી ટ્રેન આગામી સ્ટેશન મથુરા પહોંચી કે મુસાફરોએ કેશવનને મથુરા રેલવે સ્ટેશને ઉતાર્યા અને મામલાની જાણકારી આરપીએફને આપી. સૂચના મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા આરપીએફના જવાન અશોકકુમાર અને નિરંજન સિંહે કંટ્રોલ રૂમમાં ફોન કરીને મામલાની જાણકારી આપી અને તરત એમ્બ્યુલન્સ મોકલવાની અપીલ કરી. ત્યારબાદ મહિલાને કહ્યું કે તે તેમના પતિને મોઢેથી શ્વાસ આપે. એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી મુસાફરને સીપીઆર આપવામાં આવ્યું. જેનાથી મુસાફરને થોડી રાહત મળી. મુસાફરને તરત રેલવે હોસ્પિટલ લઈ જાયો. હાલત ગંભીર હોવાના કારણે તેને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડાયો. કેશવનના પત્નીનું કહેવું છે કે તેમના પતિને હાર્ટ અને ફેફસા સંલગ્ન બીમારી છે અને તેમની સારવાર ચાલુ છે. કેશવનના પત્નીએ કહ્યું કે તેઓ કેરળના રહીશ છે અને બે અઠવાડિયા પહેલા ચાર ધામની યાત્રાએ ઉત્તરાખંડ ગયા હતા. તેમનો પુત્ર ડોક્ટર છે.

Share This Article