નવી દિલ્હી : ઉત્તરપ્રદેશની મૈનપુરી સીટ પર આ વખતે સમાજવાદી પાર્ટી માટે જોરદાર સ્પર્ધા રહેલી છે. ૨૦૧૪માં જ્યારે સમગ્ર દેશમાં મોદી લહેર હતી ત્યારે પણ આ સીટ ઉપર મોદીનો જાદુ ચાલ્યો ન હતો અને મૈનપુરીમાંથી મુલાયમસિંહ યાદવને જીત મળી હતી. મુલાયમસિંહ યાદવ બે સંસદીય બેઠક આઝમગઢ અને મૈનપુરીમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા અને બંને સીટો ઉપર જીત હાંસલ થઇ હતી જેથી મૈનપુરી સીટ મોડેથી છોડી દેવામાં આવી હતી. ત્યારબાદ આ સીટ પર તેજપ્રતાપ યાદવ પેટાચૂંટણી જીતી ગયા હતા. મૈનપુરી લોકસભા સીટ પર ૧૯૫૨થી લઇને ૧૯૭૧ વચ્ચે કોંગ્રેસને જીત હાંસલ થઇ હતી.
૧૯૭૭ની સત્તાવિરોધી લહેરમાં જનતા પાર્ટીએ કોંગ્રેસના ઉમેદવારને હાર આપી હતી. ૧૯૭૮માં પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ હતી. મૈનપુરી સંસદીય ક્ષેત્રમાં પાંચ વિધાનસભા આવે છે. જેમાં મૈનપુર, ભોગાંવ, કિશની અને કરહલ તેમજ જશવંતનગરનો સમાવેશ થાય છે. જશવંતનગર વિધાનસભા સીટમાંથી મુલાયમના ભા શિવપાલસિંહ યાદવ ધારાસભ્ય તરીકે રહ્યા છે. સમાજવાદી પાર્ટીથી અલગ થયા બાદ પણ પોતાની ભાઈની જીત માટે તમામ મહેનત કરવાની ખાતરી આપવામાં આવી છે.
યુપીમાં ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં પાંચ વિધાનસભા સીટો પૈકી માત્ર એક સીટ ભોગાંવમાં ભાજપને જીત મળી હતી જ્યારે બાકીની ચાર સીટો પર સપાના ઉમેદવાર જીત્યા હતા. ૨૦૦૪માં મુલાયમે રેકોર્ડ મતે જીત મેળવી હતી. આ સીટ ઉપર મુલાયમસિંહ યાદવ ચાર વખત ચૂંટણી જીતી ચુક્યા છે. મુલાયમસિંહ દ્વારા સીટ છોડી દેવામાં આવ્યા બાદ પેટાચૂંટણીમાં તેજપ્રતાપની છેલ્લે જીત થઇ હતી.