અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ફરી એક વાર તંગદીલી ઊભી થઇ છે.અમેરિકાએ પાકિસ્તાનના વૉશિંગ્ટન સ્થિત ડિપ્લોમેટ્સ ઉપર શહેર છોડવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.
પાકિસ્તાન આતંકવાદીઓ અને હિંસા માટે સ્વર્ગ છે એવું અમેરિકાએ થોડા મહિના પહેલાં કહ્યું ત્યારથી અમેરિકા-પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધો તંગ બન્યા હતા. એ પછી અમેરિકાએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોનો ખાતમો બોલાવવાનો આદેશ કર્યો હતો. એટલું જ નહીં, અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદ સામે લડવા માટે મળતી આર્થિક સહાય પણ બંધ કરી દીધી હતી. એમાં વધુ એક કડક પગલાંનો ઉમેરો થયો છે. અમેરિકાએ વૉશિંગ્ટન સ્થિત પાકિસ્તાની રાજદ્વારીઓ-અધિકારીઓ ઉપર પ્રતિબંધો મૂક્યા છે.
પાકિસ્તાની અધિકારીઓએ વૉશિંગ્ટનથી ૪૦ કિલોમીટર બહાર જવું હશે તો પણ પાંચ દિવસ પહેલાં અમેરિકાની લેખિતમાં પરવાનગી લેવી પડશે. અમેરિકાની પાકિસ્તાન સ્થિત એમ્બેસી કે પાકિસ્તાનની અમેરિકા સ્થિત એમ્બેસીએ આ બાબતે કોઈ જ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું, પણ પાકિસ્તાનના મીડિયા અહેવાલોમાં એવો દાવો થયો છે કે અમેરિકાએ પાક. અધિકારીઓ ઉપર પ્રતિબંધ લાદ્યો છે. આ તંગદિલી પાછળ પાકિસ્તાને અમેરિકાના ઈસ્લામાબાદ સ્થિત અધિકારી ઉપર પ્રતિબંધ મૂકવાની પેરવી કરી તે બાબત કારણભૂત હોવાનું પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં કહેવાયું હતું. પાકિસ્તાનમાં એક અમેરિકી એમ્બેસીના અધિકારી કર્નલ જોસેફ ઈમેનુઅલની કારથી અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક બાઈકચાલકનું નિધન થયું પછી પાકિસ્તાને એ અધિકારી ઉપર પગલાં ભરવાની તજવીજ હાથ ધરી હતીજેના પગલે અકળાયેલા અમેરિકાએ પાકિસ્તાનના અમેરિકા સ્થિત અધિકારીઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.