નવીદિલ્હી: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઈ)એ કેટલાક મોબાઇલ ફોનની એડ્રેસ બુકમાં આધારનો હેલ્પલાઈન નંબર દેખાવવાના મામલે નિવેદન જારી કર્યું છે. યુઆઈએડીએઆઈએ સ્પષ્ટ કહ્યું છે કે, તેમણે કોઇ પણ ટેલિકોમ કંપનીને પોતાનો હેલ્પલાઇન નંબર યુઝર્સના કોન્ટેક્ટ લિસ્ટમાં ફીડ કરવા કહ્યું નથી.
સોશિયલ મિડિયામાં ગઇકાલથી આ બાબત ચર્ચાનો વિષય બન્યું છે. યુઝર્સનું કહેવું છે કે, ટેલિકોમ કંપની પોતે જ યુઆઈડીએઆઈનો હેલ્પલાઈન નંબર યુઝર્સના ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં નાંખી રહી છે. યુઆઈડીએઆઈએ ટ્વિટ કરીને કહ્યું છે કે, યુઝર્સના ફોનમાં જે નંબર એડ થયેલો છે તે ૧૮૦૦-૩૦૦-૧૯૪૭ છે. આ હેલ્પલાઇન નંબર જુનો અને ઇન્વેલિડ પણ છે.
યુઆઈડીએઆઈએ કહ્યું હતું કે, આ લોકો વચ્ચે અસમંજસની સ્થિતિ ઉભી કરવાનું કામ કરી રહ્યું છે. આ નંબર માત્ર એન્ડ્રોયડ યુઝર્સના ફોનમાં જ એડ થયેલો જોવા મળ્યો છે. યુઆઈડીએઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે, જે નંબર લોકોના ફોનમાં એડ છે છેલ્લા બે વર્ષથી ઇન્વેલિડ નંબર છે.
આ મામલે રિલાયન્સ જીઓના પ્રવક્તાએ કહ્યું હતું કે, તેમને યુઝર્સના ફોનમાં આ પ્રકારનો નંબર એડ હોવાની કોઇપણ માહિતી નથી. બીજી બાજુ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલે કહ્યું હતું કે, આ મામલે તપાસ થઇ રહી છે અને ખુબ ઝડપથી પોતાની પ્રતિક્રિયા આપશે.
બીજી બાજુ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શુક્રવારે આ મામલે ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હવે લોકોના એન્ડ્રોઇડ ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં તેમની મર્જી વગર આધાર કાર્ડના હેલ્પલાઈન નંબર ગેરકાયદસર રીતે સેવા થઇ ગયા છે. આનો મતલબ એ થયો કે, કેટલાક લોકોએ તમારો ફોન અને તેની સૂચનાઓને પોતાની પહોંચ બનાવી દીધી છે.