મુંબઈ: અમેરિકા અને ચીન વચ્ચે ચાલતા વેપાર વિવાદને લઇને સ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. શુક્રવારના દિવસે જાહેર ટિપ્પણીઓ માટે મુકવામાં આવેલી મહેતલની અવધિ પૂર્ણ થઇ રહી છે. ૨૦૦ અબજ ડોલરના કારોબાર ઉપર ચીન સંદર્ભમાં પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ જાહેર ટિપ્પણી માટેની મહેતલ શુક્રવારે પૂર્ણ થનાર છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, તેમનું વહીવટીતંત્ર આગામી દિવસોમાં તમામ ચીની આયાત ઉપર ટેરિફ લાગૂ કરવા માટે તૈયાર છે. ટ્રમ્પે એવી ચેતવણી પણ આપી છે કે, અમેરિકામાં તમામ ચીની આયાત ઉપર ટેરિફ લાગૂ કરવામાં આવી શકે છે.
આવી સ્થિતિમાં અમેરિકા દ્વારા વધુ કઠોર વલણ અપનાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ ચીન પણ લડાયક મૂડમાં છે. આગામી દિવસોમાં ૨૦૦ અબજ ડોલરની પહેલાથી જ લાગૂ કરવામાં આવેલી આયાતની સામે ૨૬૭ અબજ ડોલરની અન્ય ચીજવસ્તુઓ ઉપર પણ ડ્યુટી લાગૂ કરવાની અમેરિકા દ્વારા તૈયારી કરવામાં આવી છે. ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ વધુ વણસી શકે છે અને આ સ્થિતિ ભારત સહિતના અન્ય દેશો ઉપર પણ અસર કરશે.
આજે ચીનના કન્ઝ્યુમર પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવાના આંકડા જારી કરવામાં આવી રહ્યા છે ત્યારે ઓગસ્ટ માટે ચીનના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા ઉપર પણ તમામની નજર કેન્દ્રિત થઇ છે. અમેરિકાનો સામનો કેવી રીતે કરવામાં આવે તેને લઇને ચીની વટીવટીતંત્ર દ્વારા તૈયારી કરાઈ છે. વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્રમાં માઇક્રો ઇકોનોમિક પરિબળો ઉપર ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે.