તલગાજરડા ખાતે 48 માં હનુમંત મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરાયો

Rudra
By Rudra 1 Min Read

ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે 48 માં હનુમંત મહોત્સવનું આજે ગુરુવારે સાંજે 8-00 કલાકે પં.જયતીર્થ મેવુન્ડીના શાસ્ત્રીય ગાયનથી મંગલાચરણ થયું. પ્રારંભમા સંચાલક ગાયક શ્રી હરીશચંદ્રભાઈ જોશીએ મંચના કલાકારોનો પરિચય કરાવ્યો હતો.પુ.મોરારિબાપુએ શાલ સુત્રમાલાથી સ્વાગત કર્યું.

પુ.મોરારિબાપુની મંગલ પ્રેરણાથી છેલ્લાં 47વર્ષથી આયોજિત થઈ રહેલો હનુમંત મહોત્સવ આજે 48 માં વર્ષમાં પ્રવેશ કરીને ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ થયો.”વિદ્યાવાન ગુની” એવા પૂજ્ય હનુમાનજી મહારાજને કલા સાહિત્ય માટે અનન્ય અનુગ્રહ રહ્યો છે.તેથી આ મહોત્સવને કલા, સાહિત્ય વગેરેની વંદના કરીને વિશેષ ઉજવણી કરવામાં આવે છે. આજે કર્ણાટક હુબલીના પં.જયતીર્થ મેવુન્ડીનું શાસ્ત્રીય ગાયન રજૂ થયું.તેઓ કીરાના ઘરાનાની સાથે જોડાયેલા ભારતીય શાસ્ત્રીય ગાયક છે. તેઓએ કન્નડ ફિલ્મ કલારાની ફુવાગી ફિલ્મમાં પોતાનો અવાજ પ્રસ્તુત કરીને પાર્શ્વગાયક તરીકે પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવી છે.આ સિવાય તેઓએ મરાઠી ફિલ્મમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. પંડિત જયતીર્થને પણ તા.12/4 ના રોજ હનુમંત એવોર્ડ આપીને નવાજવામાં આવશે.શરુઆત પં.જયતીર્થજીએ રાગ શુદ્ધ કલ્યાણથી રજુઆત કરી હતી.વાદ્યોમાં મીલીંદભાઈ,શિલ્પા અંધારિયા, પાંડુરંગ પવારે સાથ નિભાવ્યો હતો.દેશ-વિદેશના કથા શ્રાવકોની વિશાળ ઉપસ્થિતિ રહી.સંયોજન વ્યવસ્થા જયદેવભાઈ માંકડ તથા નિલેશભાઈ વાવડિયા સંભાળી રહ્યા છે.

આજે શુક્રવારે નીલાદ્રીકુમાર (મુંબઈ) નું સિતારવાદન તથા સત્યજીત તલવારકરનુ(પુના) નું તબલાવાદન પ્રસ્તુત થશે.

Share This Article