વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ફરી એકવાર ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. આને લઇને ગુપ્તચર સંસ્થાઓ દ્વારા એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક પોલીસની સાથે આઇબી, એટીએસ, એસટીએફ અને એનઆઇએની ટીમ સક્રિય થઇ ગઇ છે. શનિવારના દિવસે જમ્મુ કાશ્મીરના એક શંકાસ્પદ શખ્સની વારાણસીમાં એન્ટ્રી થઇ હોવાના હેવાલ મળ્યા છે. આ શખ્સની લોકેશન વારાણસીના લક્સા વિસ્તારમાં હોવાની બાતમી સપાટી પર આવી હતી. માહિતી મળ્યા બાદ દિવસ દરમિયાન તપાસ ઓપરેશન ચાલી રહ્યુ છે. આ ગાળા દરમિયાન ગંગાના ઘાટની સાથે સાથે હોટેલ, રેલવે સ્ટેશનો, બસ અડ્ડા , ભીડભાડવાળા વિસ્તારો અને તમામ સ્થાનોને પોલીસ અને ગુપ્તચર સંસ્થાઓ દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી કોઇ શકમંદની ધરપકડ કરવામાં આવી નથી. કોઇ બિનવારસી વસ્તુઓ પણ મળી નથી.
એવી શંકા છે કે કાશ્મીરનો આ શકમંદ વારાણસીમાં કોઇ મોટી ત્રાસવાદી ગતિવિધીને અંજામ આપી શકે છે. જો કે એસએસપી આનંદ કુલકર્ણીએ કહ્યુ છે કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને નિયમિત રીતે ચકાસણી કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે વારાણસી લાંબા સમયથી ત્રાસવાદીઓના હિટલિસ્ટમાં છે. શહેરમાં વર્ષ ૨૦૦૫માં પ્રથમ વખત ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો. એ વખતે દશાશ્વમેઘ ઘાટ પર ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
જેમાં સાત લોકોના મોત થયા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૦૬માં સંકટમોચન મંદિર અને વારાણસી કેન્ટ રેલવે સ્ટેશન પર સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યોહતો. ત્યારબાદ વર્ષ ૨૦૦૭માં કચેરીમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. સાત ડિસેમ્બર ૨૦૧૦ના દિવસે ત્રાસવાદીઓએ ફરી શીતલા ઘાટ પર ગંગા આરતી વેળા બ્લાસ્ટ કર્યો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા. જા કે ત્યારબાદ ત્રાસવાદીઓ તેમની યોજનામાં સફળ સાબિત થઇ શક્યા નથી. વારાણસીમાં ૨૦૦૫, ૨૦૦૭ અને ૨૦૧૦માં બ્લાસ્ટ કરાયા છે.