રાંચરડા સ્થિત શ્રી સંકટમોચન મહાવીર હનુમાન નીબ કરોરી બાબા મંદિર દ્વારા ત્રીજી “રામ રોટી સેવા રથ”નું મહત્વાકાંક્ષી લોકાર્પણ રવિવાર, ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સાંજે ૬:૪૫ કલાકે કરવામાં આવશે. આ પહેલ મંદિરની સેવા, કરુણા અને લોકકલ્યાણની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.
હાલમાં મંદિર પાસે બે રામ રોટી સેવા રથ કાર્યરત છે, જે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દરરોજ સવાર અને સાંજે જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ભોજન પ્રસાદ વિતરણ કરે છે. નવી સેવા રથ ઉમેરાતા આ સેવા વધુ વિસ્તૃત બનશે અને વધુ લોકો સુધી પહોંચશે.
શ્રી સંકટમોચન મહાવીર મંદિર આધ્યાત્મિક અને ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. આ મંદિર ભારતમાં ચોથું એવું અનોખું મંદિર છે જ્યાં હનુમાનજી શયનાવસ્થામાં વિરાજમાન છે. ઉપરાંત, પાતાળલોકની વિશેષ મૂર્તિમાં હનુમાનજી, તેમના પુત્ર મકરધ્વજ, અહિરાવણ, શ્રી રામ અને લક્ષ્મણજીના સહજ દર્શન ભક્તોને આધ્યાત્મિક અનુભવ કરાવે છે.
નીબ કરોરી મહારાજની કૃપાથી મંદિર દ્વારા વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સતત યોજવામાં આવે છે. દરરોજ સવારે આશરે ૩૦૦ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે, ત્યારબાદ તેમને ભેટો અને ચોકલેટનું વિતરણ થાય છે. ઉપરાંત, મંદિર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કમ્બલ વિતરણ, ભોજન પ્રસાદ અને અન્ય સહાય પૂરી પાડવામાં આવે છે.
ખાસ તહેવારો અને પવિત્ર દિવસોમાં ૨૧ વાર હનુમાન ચાલીસા પાઠ, કીર્તન અને “બાબા કા ભંડારા”નું આયોજન કરવામાં આવે છે, જેમાં સર્વ ભક્તોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે.
મંદિરના સ્થાપક ડૉ. પ્રવીણ ગર્ગે જણાવ્યું હતું કે, “આ પ્રસંગ માત્ર ધાર્મિક ઉજવણી નથી, પરંતુ સેવા અને માનવતાનો સંદેશ છે. આ કાર્યક્રમ તમામ ભક્તો માટે ખુલ્લો છે અને અમે સૌને આ પવિત્ર અવસરે ઉપસ્થિત રહેવા આમંત્રિત કરીએ છીએ.”
