ધર્મશાળા : હિમાચલ પ્રદેશમાં જયરામ ઠાકુર સરકારના એક વર્ષની અવધિ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત જનઆધાર રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ ખેડૂતો અને જવાનોના બહાને કોંગ્રેસ પાર્ટી ઉપર આજે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ વન રેંક વન પેન્શનના નામે જુઠ્ઠાણુ ફેલાવ્યું હતું અને માત્ર ૫૦૦ કરોડ રૂપિયાની જાગવાઈ કરી હતી. લોન માફીના નામ ઉપર પણ કોંગ્રેસ પાર્ટી જુઠ્ઠાણુ ફેલાવી રહી છે. પંજાબ અને કર્ણાટકમાં ખેડૂતોને પણ હજુ સુધી લાભ મળ્યા નથી. તેમણે કહ્યું હતું કે, તમામ ચોર પાર્ટીની ઉંઘ હરામ થઇ ગઇ છે. કારણ કે દેશના ચોકીદાર ઉંઘી જવા માટે તૈયાર નથી.
મોદીએ કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં યુપીએ સરકાર પર હિમાચલ પ્રદેશ સાથે ભેદભાવ કરવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે, એનડીએ સરકારથી પહેલા કેન્દ્રની સરકાર હિમાચલ પ્રદેશને ૨૧૦૦૦ કરોડ આપતી હતી પરંતુ તેમની સરકાર આવ્યા બાદ ૭૨૦૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં પહોંચીને તેમને ઘર જેવો અનુભવ થાય છે. વીરતા, શૌર્ય અને સામર્થ્યની આ જમીન રહેલી છે. હિમાચલ દેવી-દેવતાઓની ભૂમિ છે. અહીં દરેક ગામમાં દેવી-દેવતાઓના મંદિરો છે.
જયરામ સરકારે ઉલ્લેખનીય સેવા આપી છે. મોદીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં હાલમાં ૨૬હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. કાલ્કા-શિમલા રેલવેમાં પારદર્શી કોચ બનાવવામાં આવી રહ્યા છે જેથી પ્રવાસને પ્રોત્સાહન મળ્યું છે. ૧૫૦૦૦ કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. હિમાચલમાં ભાજપ સરકાર પ્રવાસ અને ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. પ્રવાસમાં હિમાચલના આંકડા ખુબ જ ઉલ્લેખનીય રહ્યા છે. ૨૦૧૩માં અહીં ૧૭ લાખ વિદેશી પ્રવાસી આવ્યા હતા જ્યારે ૨૦૧૭માં આ સંખ્યા એક કરોડ સુધી પહોંચી છે. ૨૦૧૩માં વિદેશી પ્રવાસીઓએ ૧૮ અબજ ડોલર ખર્ચ કર્યા હતા જે હવે વધીને ૨૭ અબજ ડોલર થયા છે.