નવી દિલ્હી: જમ્મુકાશ્મીરમાં ચોક્કસ વિસ્તારમાં મોટા હુમલા કરવાની યોજના ત્રાસવાદીઓ બનાવી રહ્યા છે. સેના અને સુરક્ષા દળોના કઠોર વલણના કારણે ત્રાસવાદીઓ હાલના સમયમાં તેમની હાજરી પુરવાર કરવામાં સફળ રહ્યા નથી. સેનાના ઓપરેશન ઓલ આઉટના કારણે ત્રાસવાદી સંગઠનની કમર તુટી ગઇ છે. આવી સ્થિતીમાં ત્રાસવાદીઓ હવે તેમની હાજરી પુરવાર કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. અંકુશ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા હાલના વર્ષોેમા સતત યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવે છે. આવી સ્થિતીમાં હવે ઘુસવામાં સફળ રહેલા ત્રાસવાદી સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવી શકે છે.
હાલમાં અમરનાથ યાત્રા પર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ છે. જુદા જુદા ભાગોમાં ઘુસેલા ત્રાસવાદીઓને સ્થાનિક કટ્ટરપંથીનો હજુ સાથ મળી રહ્યો છે. જેથી તેમને કેટલીક સફળતા પણ મળી છે. મળેલી માહિતી મુજબ ખતરનાક આતંકવાદીઓ હાલમાં પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં છુપાયેલા હોવાના અહેવાલ મળી રહ્યા છે અને આ આતંકવાદીઓ મોટા હુમલાને અંજામ આપી શકે છે. ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા સુરક્ષા સંસ્થાઓ સાથે બે ખાસ પ્રકારની માહિતીની આપલે કરી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મૌલાના મસૂદ અઝહરના નેતૃત્વમાં જૈશે મોહમ્મદના તાલીમ પામેલા ત્રાસવાદીઓ પાકિસ્તાનથી ઘુસણખોરી કરી ચુક્યા છે. તેમના ટાર્ગેટ સેના અને અન્ય સુરક્ષા સંસ્થાઓના કેમ્પ હોઈ શકે છે. આઈબી દ્વારા આપવામાં આવેલી માહિતી ખુબ જ સંવેદનશીલ છે અને આને ધ્યાનમાં લઇને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. બંને રાજ્યોમાં સુરક્ષા દલોને એલર્ટ ઉપર મુકી દેવામાં આવ્યા છે.
એવું જાણવા મળી રહ્યું છે કે, આ આતંકવાદીઓ પઠાણકોટમાં આઈએએફ બેઝ ઉપર કરવામાં આવેલા હુમલા જેવા ભીષણ હુમલાને અંજામ આપી શકે છે. કેટલાક ત્રાસવાદીઓ રેખા મારફતે ઘુસી ગયા હતા. ત્યારબાદ આ લોકો ચાર અને ત્રણના ગ્રુપમાં વહેંચાઈ ગયા છે. એક ગ્રુપ જમ્મુ કાશ્મીરમાં ઘુસી ગયું છે જ્યારે અન્ય ગ્રુપ શ્રીનગર તરફ ઘુસી ગયું છે. બીજી આઈબી માહિતી ૨૪મી ઓગસ્ટના દિવસે સુરક્ષા દળોને આપવામાં આવી હતી. ચાર આતંકવાદીઓ જમ્મુ સેક્ટરમાં ઘુસણખોરી કરી ગયા છે. નરોવાલમાં રહેલા વિસ્તાર મારફતે આ લોકો જમ્મુ સેક્ટરમાં ઘુસી ગયા છે. ભારતીય બાજુમાં ગુરદાસપુર તરફ આગળ વધી ગયા છે. પૂંચ સેક્ટરમાં સરહદ ઉપર ભારતીય સેના ફરજ બજાવે છે જ્યારે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ગુરદાસપુર ખાતે બીએસએફ ફરજ બજાવે છે. જિલ્લા પોલીસ લાઈન કેમ્પસ પુલવામાં જમ્મુ કાશ્મીર પોલીસના પરિવાર રહે છે. અહીં પહેલાથી જ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સુત્રોનું કહેવું છે કે, ત્રાસવાદીઓ સુરક્ષા દળોને થાપ આપીને ઘુસી ગયા બાદ ખતરા દેખાઈ રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, ત્રાસવાદીઓ ખીણ અથવા તો પંજાબમાં હજુ છુપાયેલા છે અને આ ત્રાસવાદીઓ સેના, સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર પોલીસને ટાર્ગેટ બનાવી શકે છે. આના કારણે જારદાર ખતરો તોળાઈ રહ્યો છે. સુરક્ષા દળોને ખુબ સાવધાનીપૂર્વક હાલમાં આગળ વધવાની જરૂરીયાત દેખાઈ રહી છે.