ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઘટ્યો નથી. ઈરાને એકવાર ફરીથી પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પૂર્વ વિદેશમંત્રી માઈક પોમ્પિયોની હત્યાની કસમ ખાધી છે. આ વખતે ઈરાની જનરલ અમીરાલી હાજીજાદેહે કહ્યું છે કે અમે કાસીમ સુલેમાનીની હત્યાનો બદલો જરૂર લઈશું. કાસીમ સુલેમાનીની જાન્યુઆરી ૨૦૨૦માં ઈરાકમાં અમેરિકી ડ્રોન હુમલામાં હત્યા કરવામાં આવી હતી. વાત જાણે એમ છે કે તેહરાનની નવી ફૌજી કમાન્ડ્સમાં એક ગાર્ડ્સ એરોસ્પેસના યુનિટ કમાન્ડર જનરલ અમીરાલી હાજીજાદેહે એક ઈરાની ટેલીવિઝન ઈન્ટરવ્યુમાં કહ્યું કે ‘અમને આશા છે કે અમે ટ્રમ્પ, પોમ્પિયો, મેકેન્ઝી (પૂર્વ અમેરિકી જનરલ) અને સૈન્ય કમાન્ડરોને મારી શકીએ છીએ, જેમણે સુલેમાનીને મારવાનો આદેશ આપ્યો હતો. અમે કશું ભૂલ્યા નથી કે કેવી રીતે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે ઈરાકમાં હુમલા કરાવ્યા અને દોષનો ટોપલો ઈરાન પર ઢોળી દીધો. ધમકીઓ મળવા છતાં અમે ચૂપ બેઠા નથી.’
આ બધા વચ્ચે પશ્ચિમી મીડિયાના હવાલે કહેવાઈ રહ્યું છે કે ઈરાને પોતાની જૂની કસમ પૂરી કરવા માટે નવી મિસાઈલ બનાવી છે. જેની મારક ક્ષમતા ઈઝરાયેલ સુધી હોવાનું કહેવાય છે. હાજીજાદેહે દેશની નેશનલ ટીવી ચેનલને જણાવ્યું કે હાલમાં જ ૧૬૫૦ KM રેન્જવાળી ક્રૂઝ મિસાઈલને ઈસ્લામિક રિપલ્બિક ઓફ ઈરાનના મિસાઈલ કાફલામાં સામેલ કરાઈ છે. ઈરાન હવે ૨૦૦૦ કિમીના અંતરે અમેરિકી ફાઈટર વિમાનોને તોડી પાડવા માટે સક્ષમ છે. ઈરાનના નેશનલ ટીવી પર આ ઈન્ટરવ્યુના પ્રસારણ દરમિયાન આ મિસાઈલનું ફૂટેજ પણ દેખાડવામાં આવ્યું છે.
બીજી બાજુ અમેરિકાએ ઈરાનની આ હિમાકત પર ચિંતા વ્યક્ત કરી છે.