રણદીપ હૂડાની આગામી ફિલ્મ ‘સ્વતંત્ર વીર સાવરકર’નું ટીઝર રવિવારે તેમની ૧૪૦મી જન્મજયંતીનાં દિવસે રિલીઝ થયું હતું. લોકોએ આ ટીઝરની ખૂબ પ્રશંસા કરી છે. આ ફિલ્મથી રણદીપ હૂડા દિગ્દર્શક તરીકે નવી શરૂઆત કરી રહ્યા છે અને મુખ્ય પાત્ર પણ તેમણે જ ભજવ્યું છે. વીર સાવરકર જેવા દેખાવા તેમણે ૨૬ કિલો વજન ઘટાડ્યું હતું. તાજેતરમાં જ ફિલ્મના નિર્માતા આનંદ પંડિતે આ માહિત આપી હતી. તેમણે જણાવ્યું કે, “રણદીપ લાંબા સમયથી વીર સાવરકરને માનતા આવ્યા છે અને તેમનું કહેવું છે કે વીર સાવરકર રાજકારણનો ભોગ બન્યા હતા. એક દિવસ સંદીપસિંહ રણદીપ હૂડા સાથે મારી ઓફિસ આવ્યા અને કહ્યું કે તેઓ વીર સાવરકરની બાયોપિક બનાવવા માંગે છે અને પૂછ્યું કે તમે આ ફિલ્મનાં સહનિર્માતા બનશો કે કેમ?” આનંદ પંડિતે વધુમાં જણાવ્યું કે, આ ફિલ્મ માટે રણદીપ હૂડાએ ૨૬ કિલો વજન ઘટાડ્યું હતું. એટલું જ નહીં પણ સાવરકર જેવા દેખાવા માટે તેમણે માથામાં અમુક વાળ પણ કઢાવી નાખ્યા હતા. ફિલ્મમાં રણદીપે બહુ સરસ અભિનય કર્યો છે.” ફિલ્મની રિલિઝ ડેટ અંગે તેમણે જણાવ્યું કે, “સપ્ટેમ્બર મહિનામાં ફિલ્મ રિલીઝ કરવાની યોજના છે.
આ ફિલ્મમાં કોઇ પ્રોસ્થેટિકનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ફિલ્મનું શૂટિંગ મહાબળેશ્વર પાસેનાં ગામમાં થયું છે.” શું તેમણે આ ફિલ્મ બનાવવા વીર સાવરકરના પૌત્રની મંજૂરી લીધી હતી તેવા પ્રશ્નનાં જવાબમાં પંડિતે જણાવ્યું કે, “મારી પાસે આવતાં પહેલાં રણદીપે વીર સાવરકરના પૌત્ર પાસેથી મંજૂરી લીધી હતી. પણ મને નથી લાગતું કે મંજૂરીની જરૂર હતી, કારણ કે બધી માહિતી પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ છે જ. કાલે કોઇ ગાંધીજી પર ફિલ્મ બનાવે તો પરમિશન લેવાની જરૂર નથી.” આ ફિલ્મમાં રણદીપ હૂડા ઉપરાંત માર્ક બેન્ટિંગ્ટન જેવા કલાકારો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.