હાલમાં દરેક ટેલીકોમ કંપની ગ્રાહકના મનમાં એવું ઠસાવવાનો પ્રયાસ કરી રહી છે કે તેનો ટેરિફ પ્લાન સૌથી સસ્તો છે. ત્યારે ગ્રાહક પણ મૂઝવણમાં રહે છે કે કઈ ટેલિકોમ કંપનીનો પ્લાન લેવો.
વળી, તેની પાસે દરેક કંપનીના ટેરિફ પ્લાનની સરખમાણી કરવા માટેના ઓપ્શન પણ નથી. ગ્રાહકે પોતાની રીતે જ દરેક કંપનીના પ્લાન જોઈને નક્કી કરવું પડે છે કે તેના માટે કઈ કંપનીનો પ્લાન યોગ્ય રહેશે. ત્યારે ગ્રાહકોની આ મુશ્કેલી દૂર કરવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ટ્રાઈ એક વેબસાઈટ લઈને આવી છે.
ટ્રાઈએ સોમવારે એક વેબસાઈટના પ્રાથમિક (બીટા) વર્ઝન રજૂ કર્યું, જેના પર અલગ-અલગ ટેલિકોમ કંપનીઓની સેવા કે ચાર્જની સરખામણી કરી શકાશે. ટ્રાઈનું માનવું છે કે, આ પગલાંથી અલગ-અલગ કંપનીઓના ચાર્જ વિશે વધુ પારદર્શકતા આવશે અને વધુ માહિતી મળી શકશે. ટ્રાઈએ તેના માટે વેબસાઈટ (http://tariff.trai.gov.in) શરૂ કરી છે.
હાલના સમયમાં ટેલિકોમ કંપનીઓ તેમના દરોની જાણકારી પોત-પોતાની વેબસાઈટ પર આપે છે.ટ્રાઈના કહેવા મુજબ, નવા મંચથી ગ્રાહકોને ફાયદો થશે, તો અન્ય ભાગીદાર પણ તુલનાત્મક વિશ્લેષણ કરી શકશે. આ વેબસાઈટ પર તમે મોબાઈલ, લેન્ડલાઈન, પ્રીપેડ, પોસ્ટપેઈડ, સર્કલ અને ઓપરેટરની પસંદ કરી કરી બધા પ્રકારના ટેરિફ, પ્લાન વાઉચર, એસટીવી, ટોપ અપ, પ્રોમો, વીએએસ વગેરેની જાણકારી મેળવી શકાશે. કઈ કંપની કયો રેટ આપી રહી છે એ જાણકારી એક સાથે મેળવવાનું સરળ થઈ જશે.