અમદાવાદ: કોંગ્રેસના યુવા ધારાસભ્ય અને ઠાકોર સમાજના આગેવાન નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથેનો છેડો ફાડી ભાજપમાં જોડાય તેવી અટકળો ફરી તેજ બની છે. અલ્પેશ ઠાકોરને લઇ ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસના ૫ ધારાસભ્ય ભાજપનો ખેસ પહેરે તેવી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે, જેને લઇ કોંગ્રેસની છાવણીમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
તો, અલ્પેશ ઠાકોરે આવતીકાલે પત્તા ખોલવાના સંકેત આપ્યો હતો. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં કંઇક નવા જૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે એકબીજાના માણસો તોડવાની અને પોતાની છાવણીમાં લાવવાની રાજકીય વ્યૂહરચના અને કૂટનીતિ પણ આંતરિક રીતે ચાલી રહી છે. જેમાં થોડા સમય પહેલાં જ કોંગ્રેસના ઉઁઝાના ધારાસભ્ય આશાબહેન પટેલ કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાઇ ગયા હતા અને હવે ફરી એકવાર ભાજપ ગુજરાત કોંગ્રેસ પર રાજકારણની સર્જિકલ સ્ટ્રાઈક કરે તેવી શક્યતા છે.
સુત્રો મળતી માહિતી અનુસાર કોંગ્રેસના પાંચ ધારાસભ્યો ભાજપના મોવડી મંડળના સંપર્કમાં છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા, ભરતસિંહ ઠાકોર, સોમાભાઈ પટેલ અને ગેનીબેન ઠાકોર હવે ભાજપનો ખેસ પહેરી લે તેવી ચર્ચા અને અટકળો તેજ બની છે. કોંગ્રેસના આ આ પાંચેય ધારાસભ્યો છેલ્લા ચાર મહિનાથી કોંગ્રેસથી નારાજ હતા અને તેમના મનામણા કરવા પણ ઘણા પ્રયત્નો થયા છે.
જો કે, કોઇ સંતોષકારક નિવારણ નહી આવતાં હવે તેઓ કોંગ્રેસને રામ રામ કરી દે તેવું ચર્ચાઇ રહ્યું છે. જો આ ધારાસભ્યો ભાજપમાં ભળે તો મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે અને નવા સંસદીય સચિવો પણ બનશે. જેમાં અલ્પેશ ઠાકોર અને સોમાભાઈ પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ કરાય અને ધવલસિંહ અને ભરતસિંહને સંસદીય સચિવ બનાવાય તેવી ચર્ચા છે. જોકે ગેનીબેને શું પદ મળશે તેવી કોઈ ચર્ચા થઈ નથી. આ પાંચ ધારાસભ્યોમાંથી ચાર ધારાસભ્યો કોંગ્રેસ ઉપરાંત ઠાકોરસેનાના સભ્યો છે. અલ્પેશ ઠાકોર સેનાને લીડ કરી રહ્યા છે. જ્યારે ગેનીબેન, ધવલસિંહ અને ભરતસિંહ ઠાકોર સેનાની વિસ્તારની જવાબદારીમાં એક્ટિવ ભુમિકા ભજવી રહ્યા છે. ગેનીબેન અને ધવલસિંહ પહેલાં ઈશારો આપી ચૂક્યા છે કે અલ્પેશભાઈ જે રસ્તે જશે અમે ત્યાં જઈશું. આમ, હવે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં જોરદાર ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીની મહત્વની બેઠક તા.૧૨મી માર્ચે અમદાવાદમાં યોજાવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસની છાવણીમાં તેના મહત્વના માણસો ઘર છોડીને જઇ રહ્યા હોવાની ચર્ચાએ જોરદાર જોર પકડયું છે, જેને લઇ કોંગ્રેસની છાવણીમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ છે.