નવી દિલ્હી : રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદને લઇને સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે મધ્યસ્થીના મામલામાં મહત્વપૂર્ણ સુનાવણી કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટની બેંચે આ મામલામાં ચુકાદો આપવાની તૈયારી કરી લીધી છે. આ મામલાને કોર્ટની દેખરેખમાં મધ્યસ્થી માટે છોડવાની જરૂર છે કે પછી નિયમિત સુનાવણી મારફતે નિર્ણય લેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, રાજકીયરીતે સૌથી સંવેદનશીલ રામજન્મ ભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં મધ્યસ્થીની સંભાવના હજુ પણ દેખાઈ રહી છે. સુપ્રીમ કોર્ટે ગઇકાલે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મામલાના સ્થાયી સમાધાન માટે કોર્ટ દ્વારા નિયુક્ત અને નિરીક્ષણ હેઠળ મધ્યસ્થીને લઇને ચુકાદો અનામત રાખ્યો હતો. અયોધ્યા જમીન વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો મધ્યસ્થી ઉપર અનામત રાખતા આને લઇને પણ સસ્પેન્સની સ્થિતિ અકબંધ રહી છે.
સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે, રામજન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસ મધ્યસ્થી માટે રિફર કરવામાં આવી શકે છે કે કેમ તે અંગે વહેલીતકે ચુકાદો આપવા માટે ઇચ્છુક છે. સાનુકુળ ઉકેલ સુધી પહોંચવા માટે સંભવિત મધ્યસ્થીઓના નામ આપવા તમામ સંબંધિત પક્ષોને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો. ચીફ જÂસ્ટસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચે મધ્યસ્થીઓના નામ આપવા તમામ સંબંધિત પક્ષોને સૂચના આપી હતી. આ બેંચમાં એસએ બોબડે, ડીવાય ચંદ્રચુડ, અશોક ભુષણ, એસએ નઝીર પણ હતા. બેંચે ચુકાદો અનામત રાખ્યો હતો. હિન્દુ સંસ્થાઓ નિર્મોહી અખાડા સિવાય મધ્યસ્થી માટેના મામલાને રિફર કરવાના કોર્ટના સુચનનો વિરોધ કર્યો હતો. જો કે, મુસ્લિમ સંસ્થાઓએ આ સૂચનને ટેકો આપ્યો હતો. સોલીસીટર જનરલ તુષાર મહેતા ઉત્તરપ્રદેશ સરકાર તરફથી ઉપસ્થિત રહ્યા હતા. તૂષાર મહેતાએ રજૂઆત કરી હતી કે, જ્યારે પ્રવર્તમાન કેસનો ઉકેલ દેખાય ત્યારે જ મધ્યસ્થી માટે આ મામલાને સોંપી શકાય છે.